તલાટી પતિએ પત્ની પાસે 2 લાખ દહેજ માંગ્યું
ઇડરના સાબલવાડની મહિલાની લગ્ન કમાલપુરમાં થયા બાદ પતિને તલાટીની નોકરી લાગતાં સાસુ-સસરાએ મહિલા સાથે ઝઘડો કરી બીજી યુવતી સાથે લગ્ન કરવાનું કહી કાઢી મૂકી અને બે લાખ દહેજ માંગતા ઇડર પોલીસ સ્ટેશનમાં 7 સામે ફરિયાદ નોંધાઇ હતી. સાબલવાડના અમિતાબેન પટેલના લગ્ન કમાલપુરના જીગ્નેશભાઈ વિષ્ણુભાઈ પટેલ સાથે 9 વર્ષ પહેલા થયા હતા. જેમાં પતિ જીગ્નેશભાઈને વર્ષ-2015માં તલાટી તરીકે દાંતાના ખડો ઉમરી નામના ગામમાં નોકરી લાગતા અપડાઉન કરતા હતા.
પુત્રને તલાટીની નોકરી લાગ્યા પછી સાસુ ભાવનાબેન વિષ્ણુભાઈ પટેલ અને સસરા વિષ્ણુભાઈ કોદરભાઇ પટેલના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો હતો અને ઘરના કામકાજ માટે ઝઘડા કરવા લાગ્યા હતા તેમજ સાસુ-સસરા મહેણા ટોણા મારવા હતા. સાસુના માસાજી અમરતભાઈ તથા માસીજી જશીબેન અને સાસુની સગી બે બહેનો વીણાબેન અને દક્ષાબેન વગેરે અમિતાની સાસરીમાં આવીને સાસુ સસરાની ચઢામણી કરતા હતા અને પતિ જીગ્નેશને કહેતા કે તું આને છૂટાછેડા આપી દે આ તેના બાપના ઘરેથી કંઇ લાવી નથી જેથી પતિ અવાર-નવાર મારે બીજે સાથે લગ્ન કરવાના છે છૂટાછેડા આપી દે કહી ત્રાસ આપતો.