કેરી મોંઘીદાટ પણ રસ સસ્તો : જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગ તથા પાલિકાના ફૂડ વિભાગની ઘોર લાપરવાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાર્લરો, ડેરીઓ અને જ્યુસ સેન્ટરોમાં ભેળસેળયુક્ત રસનું ખુલ્લેઆમ વેચાણ: બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં હાલમાં કેરીના ભાવો આસમાને છે તેમ છતાં કેરીના રસનું સસ્તા ભાવે ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે કેરીના આ રસમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની બુમરાડ ઉઠી છે.જન આરોગ્ય જોખમાવતી આ રસ બેરોકટોક પાર્લરો,ડેરીઓ અને જ્યુસ સેન્ટરોમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.  ત્યારે આ મામલે પાલિકાના ફૂડ વિભાગ અને જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગ તપાસ કરે તે અત્યન્ત આવશ્યક છે.

ડીસાની ડી ફોર ડુપ્લીકેટની છબી આંતરરાજ્ય લેવલે ખરડાઈ છે.અહીં મોટા પાયે ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાની બૂમો લાંબા સમયથી ઉઠતી રહે છે જેમાં તેલ- ઘી મરચું,ચા, હળદરમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થાય છે અને અન્ય ચીજોની નકલ મળી રહે છે પરંતુ હવે તો કેરીના રસમાં પણ ભેળસેળ થતી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ફલોના રાજા એવા કેરીના ભાવો આસમાને છે. જેમાં રત્નાગીરી આ્ફુસ 600 રૂપિયે ડઝન, કેશર કેરી 250 રૂપિયે કિલો, બદામ કેરી પણ 140 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે અને હજુ અડધો ઉનાળો પુરો થવા છતાં પણ કેરીના ભાવો ઘટયા નથી. તેમ છતાં આજ કેરીનો રસ સસ્તા ભાવે પાર્લર, ડેરી અને જ્યુસ સેન્ટરો પર સસ્તા ભાવે વેચાઈ રહ્યો છે.

જ્યુસ સેન્ટરોમાં 20 રૂપિયામાં ગ્લાસ ભરીને રસ વેચાઈ રહ્યો છે તો બીજી તરફ ડેરી અને પાર્લરમાં કેરીનો રસ પ્રતિ કીલો 120 રૂપિયે વેચાઈ રહ્યો છે ત્યારે સવાલ એ છે કેરી હાલમાં 150 થી 600 રૂપિયે પ્રતિ કીલોના ભાવે બજારમાં વેચાઈ રહી છે તો કેરીનો રસ આટલો સસ્તો કેમ ??ચોક્કસ કેરીના રસમાં ભેળસેળ પણ મોટા પ્રમાણમાં થઇ રહી છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની સીઝન પૂર બહારમાં ખીલી છે અને લગ્નના ભોજન સમારંભમાં કહેવાતો આ મીઠો રસ લોકો હોંશે હોંશે પી રહ્યા છે ત્યારે આ રસ કેવા પ્રકારનો હશે ? તે તપાસ બાદ જ જાણી શકાય તેમ છે ત્યારે ભેળસેળની આ ગમ્ભીર ફરિયાદો બાબતે પાલિકા ફૂડ વિભાગ તથા જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગ સત્વરે યોગ્ય તપાસ કરે તે અતિ આવશ્યક લાગી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.