પાટણ-ભીલડી બ્રોડગેજ લાઈનમાં માટીની રોયલ્ટી ચોરી કરનાર 3 એજન્સીને ભુસ્તર વિભાગે રૂ.૬.૭૧ કરોડ દંડ ફટકાર્યો
૩ એજન્સીઓએ રોયલ્ટી ભર્યા વગર કુલ 11.16 લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ કર્યો હતો આદિપુરની ભીમજી વેલજી સોરઠીયા અને મહેસાણાની રાધે એસો.એજન્સીને દંડ કરાયો પાટણ ભીલડી બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરીમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટીની ચોરી કરી માટીનો ઉપયોગ કરનાર આદિપુરની બે અને મહેસાણા ની એક એજન્સી મળી કુલ ત્રણ એજન્સીને ભૂસ્તર વિભાગ દ્વારા રૂ. ૬.૭૧ કરોડ નો દંડ ફટકારતાં ખનન માફીયાઓ મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પાટણ ભીલડી રેલવે બ્રોડગેજ લાઈન પર પાટણથી ખલીપુર, કાંસાથી વાયડ અને વાયડ થી પાટણ જિલ્લાની હદ સુધી રેલવે લાઈન પર જુદી જુદી ત્રણ એજન્સીઓએ આદિપુર કચ્છની ભીમજી વેલજી સોરઠીયા, ભીમજી વેલજી સોરઠીયા કન્ટ્રક્શન પ્રાઈવેટ લિ. અનેરાધે એસો.મહેસાણા દ્વારા માટીકામ કરાવ્યું હતું. આ ત્રણેય કંપનીઓને માટીની રોયલ્ટી ભર્યાના આધાર પુરાવા રજૂ કરવા માટે પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા ૩ નોટિસ આપી હતી.છતાં કોન્ટ્રાક્ટરોએ આધાર પુરાવા સાથે કોઈ જવાબ રજૂ કર્યો ન હતો. જેને પગલે પાટણ ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ આદિપુરની બે એજન્સીને ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર ૫.૯૭ લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ કરવા બદલ કુલ રૂ.૩.૯૪ કરોડ અને મહેસાણા ની એજન્સીને ૪.૧૮ લાખ મેટ્રિક ટન માટીનો રોયલ્ટી વગર ઉપયોગ કરવા બદલ રૂ.૨.૭૬ કરોડનો દંડ ફટકારી કુલ ત્રણેય એજન્સીઓએ રોયલ્ટી ભર્યા વગર કુલ ૧૧.૧૬ લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ કરતાં ત્રણેય એજન્સીઓને કુલ રૂ.૬.૭૧ કરોડ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પાટણ ખાણ ખનીજ વિભાગના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.