રિસર્ચમાં દાવો : અમેરિકા, બ્રિટન, જર્મની કરતાં ઓછી ભારતમાં મોંઘવારી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દુનિયામાં મોટા-મોટા દેશો અર્થતંત્રમાં મંદી અને આસમાને પહોંચેલી મોંઘવારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ દેશોમાં ભોજન અને રહેવાના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે ત્યારે આ વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં મોંઘવારી ઓછી છે અને જીવન ધોરણ પણ ઘણું સારું છે. આ બાબતોમાં વિકસિત દેશોની સરખામણીમાં ભારતનો દેખાવ ઘણો સારો છે. એટલું જ નહીં ભારતની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે તેમ એસબાઈ ઈકોરેપના એક રિપોર્ટમાં જણાવાયું છે.
આર્થિક મંદીની આશંકા વચ્ચે વધતી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજદરોમાં આક્રમક્તાથી વધારો કરી રહી છે. ભારતમાં પણ નીતિગત દરોમાં વધારો કરાયો છે, પરંતુ મોંઘવારીના મોરચે ભારતે અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા વિકસિત દેશો કરતાં વધુ સારો દેખાવ કર્યો છે અને સપ્ટેમ્બર ૨૦૨૧ની સરખામણીમાં આ દેશોની તુલનામાં ભારતમાં મોંઘવારીમાં ઓછો વધારો થયો છે.
એસબીઆઈ ઈકોરેપ રિપોર્ટમાં જણાયું છે કે અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા અનેક વિકસિત દેશોમાં રહેવા, ભોજન અને ઊર્જાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે જ્યારે તેની સરખામણીમાં ભારતમાં આ વસ્તુઓના ભાવમાં વધારો ઓછો રહ્યો છે. આ રિપોર્ટ મુજબ મોંઘવારીની આડઅસરો અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઓછી જોવા મળી છે. બીજીબાજુ ભારતમાં લોકોની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે.
એસબીઆઈના ઈકોરેપ રિપોર્ટમાં કહેવાયું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાના આ યુગમાં ભારતમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. એસબીઆઈના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિકસિત દેશોમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે, જેને પગલે આ દેશોમાં રહેણાંક, ભોજનના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ વૈશ્વિક ફુગાવામાં તિવ્ર ઉછાળા વચ્ચે અનિશ્ચિતતાના આ યુગમાં ભારતનો દેખાવ ઘણો સારો રહ્યો છે. ઘોષે તેમના રિપોર્ટમાં કહ્યું છે કે વર્તમાન વૈશ્વિક આર્થિક સ્થિતિને જોતાં એવું લાગે છે કે ‘સારું’ શબ્દ હાલ વૈશ્વિક અર્થતંત્રમાંથી અસ્થાયી રૂપે ગાયબ થઈ ગયો છે.
એસબીઆઈના ઈકોરેપ રિપોર્ટમાં સપ્ટેમ્બર ૨૦૨૧ અને વર્તમાન સમયમાં વૈશ્વિક સ્થિતિની સરખામણી કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારતીય ૧૦૦ રૂપિયાને માપદંડ બનાવી તેના આધારે અનેક દેશોમાં રહેવાના ખર્ચનો અભ્યાસ કરાયો હતો. આ આધારે કહેવાયું છે કે સપ્ટેમ્બર ૨૦૨૧માં આ દેશોમાં રહેવાનો ખર્ચ રૂ. ૧૦૦ હોય તો જર્મનીમાં તેમાં રૂ. ૨૦, બ્રિટનમાં રૂ. ૨૩ અને અમેરિકામાં રૂ. ૧૨નો વધારો થયો છે. ભારતમાં પણ રહેવાના ખર્ચમાં રૂ. ૧૨નો વધારો જોવા મળ્યો છે.
એ જ રીતે ખાદ્ય ચીજોના ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ તો અમેરિકા અને જર્મની સૌથી મોંઘા દેશ છે. અહીં પણ ભારતમાં ખાદ્ય ચીજોના ભાવમાં ઓછો વધારો થયો છે. રિપોર્ટ મુજબ સમીક્ષા હેઠળના સમયમાં ખાદ્ય ચીજોનો ભાવ રૂ. ૧૦૦ હોય તો અમેરિકામાં રૂ. ૨૫, બ્રિટનમાં રૂ. ૧૮, જર્મનીમાં રૂ. ૩૩નો વધારો થયો છે જ્યારે ભારતમાં માત્ર રૂ. ૧૫નો વધારો થયો છે.
ઊર્જાના ભાવના સંદર્ભમાં જોઈએ તો અમેરિકામાં ઊર્જાના ભાવમાં રૂ. ૧૨નો વધારો થયો છે જ્યારે બ્રિટનમાં સૌથી વધુ રૂ. ૯૩ અને જર્મનીમાં રૂ. ૬૨નો વધારો થયો છે. તેની સરખામણીમાં ભારતમાં રૂ. ૧૬નો વધારો થયો છે. આ રિપોર્ટમાં આકલનના આધારે કહી શકાય કે દુનિયાના મોટાભાગના વિકસિત દેશોમાં રહેવા અને ભોજનના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ ભારતમાં આ વૃદ્ધિ એકંદરે ઓછી છે.
વધુમાં ભારતમાં લોકોની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે. આ સંદર્ભમાં ભારત ૫૭ ટકા સાથે ચીન પછી બીજા ક્રમે છે. ચીનમાં માથાદીઠ આવક ૮૮ ટકા વધી છે જ્યારે અમેરિકામાં ૩૬ ટકા જ વધી છે. યુક્રેન સાથે યુદ્ધ છતાં સમીક્ષા હેઠળના સમયમાં રશિયાની માથાદીઠ આવક પાંચ ટકા અને જર્મનીની ૧ ટકા વધી છે. બીજીબાજુ બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, જાપાન અને બ્રાઝિલમાં માથાદીઠ આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં બ્રાઝિલમાં સૌથી વધુ માઈનસ ૨૭નો ઘટાડો જોવા મળ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.