કમિશન નહી, પગારની માંગણી સાથે કોમ્પ્યુટર ઓપરેટરની રેલી

બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં ગ્રામ કમ્પ્યુટર સાહસિકોએ પોતાને કમિશન નહી પણ પગાર ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે પાલનપુર ખાતેથી વિશાળ રેલી યોજી હતી. અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જો માંગણી સંતોષવામાં નહી આવે તો પરિવારજનો સાથે ધરણાં ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લા વી. સી.ઇ. મંડળ દ્વારા ગુરૂવારે પાલનપુર ખાતે વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં કમ્પ્યુટર ઓપરેટરોને થતો અન્યાય દૂર કરો, કમિશન નહી પણ પગાર ચૂકવો સહિતના બેનરો સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. રેલીને કિર્તિસ્તંભ, ગુરૂવનાનક ચોક, પુલ ઉપરથી કલેકટર કચેરી ખાતે લઇ જવાઇ હતી. જ્યાં જિલ્લા કલેકટર સંદિપ સાગલેને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં જણાવાયું હતુ કે, ગ્રામ કમ્પ્યુટર સાહસિકો ઇગ્રામ યોજના હેઠળ કામગીરી કરે છે. છેલ્લા અગિયાર વર્ષથી તેમની નિમણૂકો કરેલી છે. જન્મના દાખલા, વીજબીલ સ્વિકારવા, ૭-૧૨, ૮-અ ના ઉતારા, ગ્રામ પંચાયતને લગતી કામગીરીઓ કરી રહ્યા છે. તેમ છતાં પગાર ચૂકવવામાં આવતો નથી. માત્ર કમિશનથી કામગીરી કરાવવામાં આવે છે. ત્યારે આ સાહસિકોને પગાર ચૂકવવામાં આવે તેવી માંગણી છે. જો માંગણી નહી સંતોષાય તો ૨૧ ઓગષ્ટે પરિવાર સાથે ગાંધીનગર ખાતે ધરણાં ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. રેલીમાં બનાસકાંઠા વી. સી. ઇ. મંડળના પ્રમુખ રામસિંહ જી. સોલંકી, ઉપપ્રમુખ સુબાજી બી. વાઘેલા, મહામંત્રી શૈલેષજી એસ. મકવાણા, ખજાનચી કલ્પેશ એ. પટેલ સહિત સમગ્ર જીલ્લામાંથી મોટી સંખ્યામાં કમ્પ્યુટર ઓપરેટર ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.