ગોંડલમાં સફાઈ કામદારોની રેલી, ‘દલિત પર અત્યાચાર બંધ કરો’ના સુત્રોચ્ચાર, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા,

ગુજરાત
ગુજરાત

ઉત્તરપ્રદેશના હાથરસની ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. જેના પડઘા સૌરાષ્ટ્રમાં પણ પડ્યા છે. રોજ અલગ અલગ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ગોંડલમાં સફાઈ કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રેલી યોજી હતી. રેલીમાં ‘દલિત પર અત્યાચાર બંધ કરો’ના નારા લગાવ્યા હતા. તેમજ સફાઈ કામદારો આજે એક દિવસ પોતાના કામથી દૂર રહી વિરોધ નોંધાવ્યો છે. પીડિતાને ન્યાય અને નરાધમોને ફાંસીની સજા આપવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. બીજી તરફ જામનગરમાં આજે 2700 સફાઈ કામદારો હડતાળ પર ઉતરી આવતા સફાઈ કામગીરી ઠપ્પ બની છે.

ગોંડલ અખીલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના પ્રમુખ શંકરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મિકી સમાજની દીકરી પર ગેંગરેપ કરી આરોપીઓએ તેની હત્યા કરી છે. અમારી માગણી છે કે આ નરાધમોને ફાંસીની સજા થાય. ફર્સ્ટ કોર્ટમાં આ કેસ ચાલે અને જો આમાં કંઇ ઢીલાશ કરવામાં આવશે તો અમે ઉગ્ર વિરોધ કરીશું. પોલીસ રક્ષણ આપવાને બદલે ધાક ધમકી આપે છે તે બંધ કરે. આપણા દેશના વડાપ્રધાન એવું કહે છે કે, બેટી બચાવો બેટી પઢાવો. દલિત સમાજની દીકરીઓની આમાં તો સુરક્ષા છે નહીં. આથી અમે કેવી રીતે દીકરીઓને ભણાવીએ. અમારી બહેન-દીકરીઓ બહાર નીકળવામાં ડરી રહી છે. અમારા પર આટલો બધો અત્યાચાર કરવામાં આવે છે ત્યારે મોદી સરકાર શું કરી રહી છે.

ગોંડલમાં જય મેઘવાડ સમાજ યુવા સંગઠન તથા વાલ્મિકી સુધારક મંડળ દ્વારા રાપરના દેવજીભાઇ મહેશ્વરીની નિર્મમ હત્યા અને હાથરસમાં ગેંગરેપમાં મૃતક યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ગઈકાલે સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરી ખટારાસ્ટેન્ડ પાસે આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થઇ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વાલ્મિકી સમાજ દ્વારા એક દિવસ માસ સી.એલ.રાખી સફાઇ કામગીરી ઠપ્પ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ જય મેઘવાડ સમાજ યુવા સંગઠન દ્વારા બંને ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.

જામનગરમાં 2700 સફાઈ કામદારો હડતાળ પર ઉતરી આવતા સફાઈ કામગીરી ઠપ્પ થઈ છે. શહેરભરમાં સફાઈ કર્મચારીઓની હડતાળના પગલે સફાઈ સહિતની કામગીરી ઠપ્પ થઈ છે. તેમજ સફાઈ કામદારો અને દલિત સમાજના લોકોએ લાલબંગલા સર્કલ ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.