સૂર્યકુમાર અને બુમરાહ આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભારતના સંભવિત ખેલાડીઓ છે : યુવરાજ સિંહ

Sports
Sports

ભારતના પૂર્વ સ્ટાર ડાબોડી ઓલરાઉન્ડર યુવરાજ સિંહના મતે આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના સંભવિત ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ ટોચના નામો છે. આ બંને ખેલાડીઓ તેમની વ્યક્તિગત પ્રતિભાને આધારે ક્ષણમાં બાજી પલટવાની કુશળતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, 2007માં યોજાયેલા સૌપ્રથમ ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં યુવરાજ સિંહ મહત્વની ભૂમિકા ભજવી હતી. ડાબોડી બેટ્સમેનના મતે સૂર્યકુમાર યાદવ ભારતના બીજા ટી20 વર્લ્ડ કપ વિજયમાં નોંધપાત્ર દેખાવ કરી શકે છે અને બુમરાહ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શક્યતા છે. આસીસીએ યુવરાજ સિંહ ટાંકતા જણાવ્યું હતું કે, સૂર્યકુમાર ચાવીરૂપ ખેલાડી છે.

સૂર્યકુમાર જે પ્રકારે રમે છે તે મુજબ ફક્ત 15 બોલમાં જ તે બાજી પલટી શકે છે. ભારત આ વરખતે ટી20 વર્લ્ડ કપ ચોક્કસ જીતશે અને સૂર્યકુમાર મહત્વનું પાસું બની રહેશે. જસપ્રિત બુમરાહ બોલિંગમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે અને મારા મતે એક લેગ સ્પિનર પણ ટીમમાં હશે. યુઝવેન્દ્ર ચહલ હાલમાં સારી બોલિંગ કરી રહ્યો છે તેમ યુવરાજે જણાવ્યું હતું. ભારતીય ટી20 વર્લ્ડ કપ ટીમમાં સંભવિત વિકેટકીપર અંગે પૂછતા યુવરાજે જણાવ્યું કે, સીનિયર ખેલાડી દિનેશ કાર્તિકના આઈપીએલમાં ફોર્મને જોતા તેની શક્યતા છે પરંતુ ટીમમાં 38 વર્ષના પ્લેયરને લેવાનો કોઈ અર્થ નથી. યુવા ખેલાડીઓમાં રિશભ પંત અને સંજૂ સેમસન પણ પ્રભાવી દેખાવ કરી રહ્યા છે.

ભારતના બે સીનિયર ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી મુદ્દે યુવરાજે જણાવ્યું કે, આ બંને ખેલાડીઓએ આગામી ટી20 વર્લ્ડ કપમાં રમવું જોઈએ અને ત્યારબા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી અન્ય ફોરમેટ પર ધ્યાન આપવું જોઈએ. ઉંમર વધતા લોકો તમારી વય વિશે વાત કરે છે અને તમારું ફોર્મ ભૂલી જાય છે. આ બંને ભારતના મહાન ખેલાડીઓ છે અને તેઓને તેમની નિવૃત્તિ નક્કી કરવા દેવી જોઈએ. યુવરાજ સિંહએ ચેન્નાઈ સુપર કિંગ્સના ડાબોડી બેટ્સમેન શિવમ દુબેને આગામી ટી20 વર્લ્ડ કપ ટીમના સંભવિતમાં સ્થાન મળે તેની તરફેણ કરી છે. હું દુબેને ભારતીય ટીમમાં જોવા ઈચ્છું છું. તે અનેક વખત ટીમમાં અંદર-બહાર થતો રહ્યો છે. આ વર્ષે આઈપીએલમાં તેની બેટિંગ સારી છે અને તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. શિવમ ભારતીય ટીમનો ભાવિ સિતારો છે તેમ યુવરાજે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.