IPL ૨૦૨૩ ફાઈનલની ટિકિટ ખરીદવા થઈ પડાપડી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ,  શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૮ મેના (રવિવાર) રોજ આઈપીએલ ૨૦૨૩ની ફાઈનલ મેચ રમાવાની છે. આ પહેલા ગુરુવારે ટિકિટ વિન્ડો પર જબરદસ્ત ભીડ ઉમટી હતી અને પરિણામ એ આવ્યું હતું કે ટિકિટની અછત સર્જાઈ હતી અને ઘણા ક્રિકેટપ્રેમીઓએ વિલા મોંએ પરત જવું પડયું હતું. સ્લોટ ખૂલતાની સાથે જ ઓનલાઈન ટિકિટો ધડાધડ વેચાઈ ગઈ તો ઓનલાઈન ટિકિટો માટે લાંબી લાઈન જોઈને ઘણા હતાશ થયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે ૫૦ હજાર ટિકિટો પ્રિન્ટ કરાવવામાં આવી હતી, જેમાંથી ઘણી ટિકિટ વિન્ડો પર વેચવામાં આવી હતી. ‘ટિકિટ મેળવવા માટે સખત લાંબી લાઈન હતી અને મોટાભાગે જથ્થાબંધ ટિકિટ ખરીદવામાં આવી હતી, જેના કારણે થોડી જ ટિકિટો ઉપલબ્ધ રહી’, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. પોતાનો રોષ વ્યક્ત કરતાં અમદાવાદના એક પ્રોફેશનલ જયદીપ ઝીએ જણાવ્યું હતું કે ‘દુબઈમાં રહેલો મારો મિત્ર આઈપીએલ માટે અમદાવાદ આવવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

જ્યારે મેં ઓનલાઈન ટિકિટ બૂક કરાવવાનો પ્રયાસ કર્યો તો તે ગણતરીની સેકન્ડોમાં વેચાઈ ગઈ હતી. મેં મિત્રો અને પરિચિતો દ્વારા બે ટિકિટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમા નિષ્ફળતા મળી હતી. અંતમાં મારા મિત્રએ તેની ટ્રિપ કેન્સલ કરવી પડી હતી. બુધવારે રિપોર્ટ આપ્યો હતો કે, આઈપીએલની ટીમો અને ક્રિકેટ ફેન્સના અપેક્ષિત ધસારાને ધ્યાનમાં રાખીને આગામી વીકએન્ડ માટે હોટેલના ટેરિફમાં ઓછામાં ઓછો ૪૦ ટકાનો વધારો થયો છે.

કેટલાક યૂઝર્સે ઓનલાઈન બૂકિંગમાં ખામીની ફરિયાદ કરી હતી તો ગુરુવારે સ્ટેડિયમમાં ગયેલા ચાહકોને પણ ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. કોર્પોરેટ સર્કલમાં પણ લોકો છેલ્લા કેટલાક દિવસથી પાસ માટે ધક્કા ખાઈ રહ્યા છે. આંત્રપ્રિન્યોર હર્ષ કાંકરિયાએ જણાવ્યું હતું કે ‘અમે ૧૨ મિત્રો છેલ્લા પાંચ દિવસથી ફાઈનલ મેચની ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા

પરંતુ તે નિરર્થક ગયા હતા. ઓનલાઈન ટિકિટ વેચાણના નિયમોમાં અવારનવાર ફેરફાર કરવામાં આવે છે અને ઓફલાઈન ટિકિટ ખરીદવી અશકય છે. ઉલ્લેખનીય છે કે, એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આઈપીએલ ૨૦૨૩ની ટ્રોફી જીતવા માટે તેની ટક્કર કોની સાથે થશે તે આજે નક્કી થશે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર રાઉન્ડ ૨ માટે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે.

જે ટીમ જીતશે તે ચેન્નઈ સામે ફાઈનલમાં રમશે, જ્યારે બીજી ટીમ બહાર ફેંકાઈ જશે. આ સીઝનમાં ત્રણેયને મજબૂત ટીમ તરીકે જોવામાં આવી રહી છે. મુંબઈ અત્યારસુધીના આઈપીએલના ઈતિહાસમાં પાંચ વખત ટ્રોફી જીતીને પહેલા નંબર છે જ્યારે ચેન્નઈ ચાર વખત ચેમ્પિયન બન્યું છે. તો ગત વર્ષે ્૨૦ લીગમાં નવી-નવી આવેલી ફ્રેન્ચાઈઝી ગુજરાતે પહેલા જ વર્ષે ટ્રોફી પોતાના નામે કરી હતી. આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે, તેવામાં જો વરસાદના કારણે મેચ શરૂ નહીં થાય તો ગુજરાત ટાઈટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે કારણ કે તે પોઈન્ટ ટેબલ પર મુંબઈ ઈન્ડિયન્સ કરતાં આગળ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.