રદ કરવામાં આવેલ 500 – 1000 ની નોટના બંડલ સાથે અરવલ્લી પોલીસ એક વ્યક્તિની ધરપકડ કરી

અરવલ્લી
અરવલ્લી

500 અને 1000ની જૂની અને ચલણમાંથી રદ કરવામાં આવેલ નોટના બંડલો સાથે અરવલ્લી જિલ્લામાંથી એક વ્યક્તિ ઝડપાયો છે. પંચમહાલના શહેરાનો શખ્શ બાઈક પર એક થેલીમાં ભરીને લુણાવાડાથી માલપુર તરફ આવવા દરમિયાન પોલીસે યુવકને ઝડપી લઈને તલાશી લેતા તેની પાસેથી 13.39 લાખ રુપિયાની ચલણી નોટો મળી આવી હતી. માલપુર પીએસઆઈ કેએચ બિહોલા અને તેમની ટીમ દ્વારા યુવકને ઝડપી લઈને રદ થયેલ ચલણી નોટોને ઝડપી લીધી હતી.

ચલણી નોટોના બંડલમાંથી 500 રુપિયાના દરની રદ થયેલ જૂની ચલણી નોટો 2292 નંગ અને 1000 રુપિયાની ચલણમાંથી રદ કરવામાં આવેલ 198 નોટ મળી આવી હતી. પોલીસે યુવક પાસેથી આ નોટો ક્યાંથી આવી અને કયાં લઈ જતો હતો એ અંગેની તપાસ શરુ કરી છે. પોલીસને યુવક જિગ્નેશ ભરતભાઈ પટેલ રહ પાલીખંડા તા. શહેરા જિ. પંચમહાલની પૂછપરછ કરતા હાલ તો માત્ર એક જ રટણ જારી રાખ્યું છે કે, નોટો તેની પોતાની છે અને તેને બદલવા માટેના પ્રયાસમાં બેંક મેનેજરનો સંપર્ક કરવા માટે જઈ રહ્યો હતો. જોકે પોલીસને તેની આ વાત ગળે ઉતરી રહી નથી. કારણ કે નોટ રદ થયા બાદ હવે સ્થાનિક મેનેજરની કોઈ ભૂમિકા રહી નથી.

આ ઘટના અંગ માહિત આપતા પીએસઆઈ બિહોલાએ જણાવ્યું હતુ કે, તેઓએ તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ શરુ કરી છે. તે કોઈ એજન્ટના રુપમાં કામ કરવાનો પ્રયાસ કરતો હતો કે કેમ એ અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત જે રીતે તે પોતાની નોટો હોવાનું ગણાવે છે, એ મુજબ તેની પાસે આવકના સ્ત્રોત કેવા છે એ પણ તપાસવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પોલીસને આશંકા છે કે, તે ચલણી નોટોમાં રહેલા તારને પણ કોઈ ઉપયોગમાં લેવા માટે પણ જુગાડ કરી રહ્યો છે. એ અંગે પણ તપાસ શરુ કરી છે. અથવા કોઈને છેતરવા માટે પણ આ બંડલનો ઉપયોગ કરી શકે છે. આ તમામ પાસાઓ અને દિશાઓ તરફે તપાસ તેજ કરવામાં આવી છે. હાલ તો પોલીસે રદ થયેલી નોટને જપ્ત કરીને યુવકની અટકાયત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.