મુંબઈ-પુણેમાં ભારે વરસાદઃ ૨૧ના મોત, આજે સ્કૂલ-કોલેજમાં રજા

મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ૫૪ સેમી વરસાદ થયો છે. ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમવારે ભારે વરસાદના કારણે મોડી રાતે મલાડ ઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દિવાલ પડવાના કારણે કુલ ૨૧ના મોત થયા છે.
મલાડ ઈસ્ટમાં પિમ્પરીપાડામાં સોમવારે મોડી રાતે દિવાલ પડી જવાના કારણે ૧૩ લોકોના મોત થયા છે જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે. મહારાષ્ટ્ર સરકારે મલાડ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. ૫ લાખની સહાય જાહેર કરી છે. મુંબઈના કલ્યાણ વિસ્તારમાં પણ એક દિવાલ ધરાશાયી થઈ જવાના કારણે ૨ લોકોના મોત થયા છે. જ્યારે પુણેમાં અંબેગામમાં આવેલી સિંધડ કોલેજની એક દિવાલ પડવાના કારણે ૬ લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ લપસી ગઈ હતી અને તેના કારણે મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુના કામ માટે ભેગી થઈ છે. પોલીસે જણાવ્યું કે, ૧૩ લોકોને જોગેશ્વર અને શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પછી સ્થાનીક લોકોએ તુરંત અમુક લોકોને બચાવી લીધા હતા. બીજી બાજુ હવામાન વિભાગે મધ્યપ્રદેશ સહિત છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ, આસામ, બંગાળમાં આગામી બે દિવસમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
એરપોર્ટનો મુખ્ય રનવે બંધ ભારે વરસાદની અસર મુંબઈ એરપોર્ટ ઉપર પણ જોવા મળી છે. સ્પાઈસ જેટ એસજી ૬૨૩૭ જયપુર-મુંબઈ ફ્લાઈટ રનવે પર લપસી ગઈ હતી. તેના કારણે સોમવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. વૈકલ્પિક રનવે ઓપરેશન ચાલુ છે.
સ્પાઈસ જેટ ઘટના પછી ૫૪થી વધારે ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવામાં આવી છે. તેમાં અમુક અમદાવાદ અને બેંગલુરુ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. સ્થાનિક એરલાઈન્સ સોશિયલ મીડિયા પર ફ્લાઈટ મોડી થવાની અને રદ થવાની માહિતી આપી રહ્યા છે. વિસ્તારા એરલાઈન્સે ૧૦ ફ્લાઈટ રદ કરી છે. તેમાં દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈની ફ્લાઈટ્સ પણ સામેલ છે. તે સિવાય ઈન્ડિગોએ તેમના મુસાફરો માટે એડ્વાઈઝરી જાહેર કરી છે.
આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી મુંબઈ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૨૪ કલાકમાં શહેરના ઉપરવાસમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થવાનો અંદાજ છે. બીજી બાજુ મુંબઈ પોલીસે લોકોને અપીલ કરી છે કે હવામાન જોઈને બહાર નીકળવાનું પ્લાનિંગ કરો. ભારે વરસાદમાં કામ વગર બહાર નીકળવાનું ટાળવું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.