? કલાતીર્થના પૂજારી શ્રી રમણીકભાઈ ઝાપડીયા દ્વારા શ્રી પ્રદીપ ઝવેરી રચિત અને સુશ્રી વિમલા ઠક્કર દ્વારા અનુવાદિત ” ભીંતચિત્રોમાં રામાયણનું કલાસંધાન ” નામના અમૂલ્ય ગ્રંથનું કલાગંગોત્રી ધારામાં અગિયારમું પ્રકાશન ?

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

સામાન્ય રીતે એક એવી માન્યતા પ્રવર્તમાન છે કે કોઈને કોઈ લેખક/પ્રકાશક દ્વારા કોઈ પુસ્તક ભેટ મળે એટલે તેના વિશે પ્રશંસા લેખ લખીને તેનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કરતા હોય છે! ના. આ માન્યતા કેટલાક કિસ્સાઓમાં ખોટી સાબિત થાય છે અને આવા કેટલાક કિસ્સાઓમાં સુરત સ્થિત કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા કલાક્ષેત્રનો પ્રકાશનરૂપી ધુણો ધખાવ્યો છે અને કલાઉપાસક, સાધક, પ્રસંશક, મર્મજ્ઞ એવા પૂજારી શ્રી રમણીક ઝાપડીયા સાહેબ દ્વારા પ્રકાશિત થતા કલાગ્રંથોએ ખરેખર ક્લાયજ્ઞમાં પવિત્ર આહુતિ સમાન બની રહે છે. વિવિધ ક્ષેત્રે કલાઓને પારખવી, જાણવી, સ્વીકારવી અને તેને બહોળા કલાપ્રેમીઓ સુધી માતૃભાષામાં ગ્રંથરૂપે પહોંચાડવાનું પુણ્યકાર્ય શ્રી રમણીકભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તે માટે આપણે સહુ કલાપ્રેમીઓ તેઓના ઋણી જ છીએ!

જેમ ઢોલ વાગે ને ખેલૈયાઓને રમવા માટે તાન ચડે કે કોઈ એવા પ્રાકૃતિક દ્રશ્યોને નિહાળીને કોઈ કવિની કલમ કવિતા લખવા દોટ મૂકે એમ કેટલાક ગ્રંથો પણ એવા હોય છે કે જે હાથમાં આવતા પ્રથમ તો પાને પાને નજર ફેરવવા, પછી વાંચવા, સમજવા અને અભ્યાસ કરવા અને પછી તેના વિશે કૈંક લખવા પ્રેરાય તેવું કોઈ લેખકને પણ તાન ચઢતું હોય છે! પ્રસ્તુત ગ્રંથ ” ભીંતચિત્રોમાં રામાયણનું ક્લાસંધાન ” ( છિંૈજંૈષ્ઠ ર્ષ્ઠહહીષ્ઠંર્ૈહજ ર્ક ઇટ્ઠદ્બટ્ઠઅટ્ઠહટ્ઠ ૈહ ુટ્ઠઙ્મઙ્મ ॅટ્ઠૈહંૈહખ્તજ ) અદ્ભૂત અને ઉત્તમ કહી શકાય એવો ગ્રંથ બની ગયો છે. ગ્રંથના કેન્દ્રમાં બે મુખ્ય બાબતો છે, એક તો ચિત્રકલા છે અને બીજું છે મહાકાવ્ય રામાયણ! તેની કથા, પ્રસંગો અને સંવાદોને આધારે રચાયેલા ચિત્ર કલ્પનોને જ્યાં જ્યાં ભીંતોમાં કંડારવામાં આવ્યા છે તેની અહીં વાત છે.

૧૭૪ પાનાઓમાં, ૧૧ અધ્યાયોમાં, ૪૮૮ ભીંતચિત્રોની રંગીન તસ્વીરો સાથેનો આ ગ્રંથ મૂળ અંગ્રેજી અને સાથે  ગુજરાતી અનુવાદ એમ બેય ભાષામાં લખાયેલો ગ્રંથ છે. મૂળ મુન્દ્રા ( કચ્છ ) ના ઉદ્યોગપતિ શ્રી પ્રદીપ ઝવેરી દ્વારા કચ્છના ગામેગામ મળી આવતા ભીંતચિત્રોનો સંગ્રહ કરીને તેનો ગ્રંથ તૈયાર કર્યો હતો. પ્રસ્તુત ગ્રંથ એ મૂળ ગ્રંથની ભાષા સાથે માતૃભાષામાં અનુવાદ હોવાથી તેનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની જાય છે. આપણાં ગુજરાતી બંધુઓને પણ આ કલા વિશે વિસ્તૃત અને રસિક જાણકારી સચિત્ર મળી રહે છે. આ ગ્રંથનું મૂલ્ય અહીં વધુ વર્તાતું જોવા મળે છે. વળી, આ ગ્રંથ કલાગંગોત્રી શ્રેણી અંતર્ગત સુરતના વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ અને ગોપીન ફાઉન્ડેશનના અધ્યક્ષશ્રી લવજીભાઈ બાદશાહના સહયોગથી પ્રકાશિત થયો છે અને મૂલ્યની સામે ‘ અમૂલ્ય ‘ લખેલ છે મતલબ કે ગુજરાતી કલાપ્રેમીઓ માટે વિના મૂલ્યે ઉપલબ્ધ છે.

આ ગ્રંથના પ્રથમ અધ્યાયમાં રામાયણ વિશે વાત કરવામા આવી છે. રામાયણના ચિત્રાત્મક વર્ણન ઉપર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. બીજા અધ્યાયમાં વિવિધ ભારતીય કલાઓમાં રામાયણનો પ્રભાવ એ વિશે આલેખન કરવામાં આવ્યું છે. રામાયણનો પ્રભાવ સાહિત્ય, નાટય, શિલ્પ અને ચિત્રકલા પર વિશેષ જોવા મળે છે. અધ્યાય ત્રણમાં રામાયણની કથા સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવી છે. જેમાં રાજા દશરથનો પુત્રકામેષ્ઠી યજ્ઞ, ભગવાન રામનો જન્મ, યુવાવસ્થા, સીતા સ્વયંવર અને વનવાસની વાતો છે.

અધ્યાય ચાર ભીંતચિત્રોમાં રામાયણની ઘટનાઓનું નિરૂપણ વ્યક્ત કરે છે. પંદર ઘટનાઓ અને તેના ભીંતચિત્રો વિશે વિષદ છણાવટ છે. શ્રવણ કથા, ચંદ્રની માંગ કરતા બાળક રામ, તાડકાની ઘટના, અહલ્યા મુક્તિ, કેવટની વાત, શબરી કથા, મારીચ વધ અને સીતાનું અપહરણ, સુગ્રીવ મુલાકાત અને વાલીનો વધ, અશોકવાટિકા ઘટના, લંકા દહન, રામ સેતુ નિર્માણ, જડીબુટ્ટીના પર્વત સાથે હનુમાનજી, કુંભકર્ણ કથા, રામનો રાજ્યાભિષેક વિગેરે ઘટનાઓ અને તેના વિવિધ સ્થળોએ ચિતરાયેલા ભીંતચિત્રોનું સંકલન છે.

અધ્યાય પાંચ રામાયણ વિષય પર ભીંતચિત્રોના અવલોકન માટેના મહત્વના સ્થળો વિશેની બૃહદ ચર્ચા છે. આ સ્થળોમાં ગુજરાતમાં અંજાર ખાતે આવેલ કેપ્ટન મેકમર્ડો બંગલામાં રામાયણના પ્રસંગોનું નિરૂપણ, વિવિધ રામ મંદિરોમાં રામાયણના પ્રસંગોનું ચિત્રણ જેમાં વિશેષ કરીને કચ્છ જિલ્લામાં આવેલ બિબ્બરના રામ મંદિરના ચિત્રો છે. ત્યારબાદ ખંડોબા મંદિર – વડોદરા, કાશી વિશ્વનાથ મંદિર – ચાંદોદ, ખેડા જિલ્લાના કાથોલ ગામમાંથી મળી આવેલા ભીંતચિત્રો, ભિલાપુર – ગુજરાતના સર્વેશ્વર મહાદેવના મંદિરના ભીંતચિત્રો અને રાજસ્થાનમાં જયપુર ખાતે ગલતા મંદિર સંકુલમાં આવેલ રામાયણના ભીંતચિત્રોની વિગતો સાંપડે છે.

અધ્યાય છઠ્ઠામાં રામ અને રાવણના યુદ્ધ દર્શાવતા ભીંતચિત્રોનો સમાવેશ છે. અધ્યાય સાતમાં અયોધ્યાના રાજા તરીકે શ્રી રામના રાજ્યાભિષેક વિશેના ભીંતચિત્રો છે. અધ્યાય આઠમાં રામભક્ત મહાવીર હનુમાનજી મહારાજના ભીંતચિત્રો વિશેની સચિત્ર જાણકારી છે. અધ્યાય નવમાં અન્ય મહત્વના નિરૂપણો વિશેની ચર્ચા કરે છે તો અધ્યાય દસ કચ્છ જિલ્લામાં મળી આવતા વિવિધ લઘુચિત્રોમાં રામાયણના પ્રસંગો વિશે જોવા મળે છે. અધ્યાય અગિયારમાં લોકપ્રિય લોકકલામાં રામાયણનો સ્વીકાર વિશે ટુંકનોંધ છે અને જેમાં રાજા રવિવર્મા મુદ્રણાલયની લોકપ્રિય પ્રિન્ટ તેમજ રઘુરાજપૂર – ઓરિસ્સાની લોકકલાઓમાં રામાયણ વિશે નોંધો જોવા મળે છે.

ગ્રંથના અંતે સમાપન કે સારાંશનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક જમા પાસું એ પણ છે કે ગ્રંથના અંતે શબ્દાવલી અને સંદર્ભ નોંધ પણ આપવામાં આવી છે. આ ગ્રંથમાં મુખ્ય સચિવ ( નિવૃત્ત ) ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરી સાહેબ તથા ગુજરાત રાજ્યના માહિતી ખાતાના પ્રિ-હિસ્ટોરીક ઇન્ફોર્મેશનના પૂર્વ નિયામક શ્રી વી. એસ. ગઢવી સાહેબે આવકારરૂપી પ્રસ્તાવના નોંધ લખી છે.

આ ગ્રંથની મુખ્ય પ્રાસ્તાવિક નોંધ કલાતીર્થ – સુરતના શ્રી રમણિકભાઈ ઝાપડીયાએ આપી છે. પોતાની જાતને કલાના ચાહક – સાધક તરીકે જ ગણાવતા તેઓ લખે છે કે ” ભાષા અને લિપિનો ઉપયોગ પાછળનો ઉદ્દેશ તો અભિવ્યક્તિ જ છે. લિપિના આવિષ્કાર પહેલા માનવી દ્વારા વિચારોની અભિવ્યક્તિ ચિત્રલિપિ દ્વારા થતી હતી. શબ્દો કરતા ચિત્રનું માધ્યમ ઘણું જ સબળ છે. દરેક વ્યક્તિ જ્ઞાની હોય કે અજ્ઞાની, તે કલાની પાછળ રહેલો ભાવાર્થ સમજી શકે છે અને એટલે જ સ્પેનની અલ્તામીરા, ઓસ્ટ્રીયા તથા ફ્રાન્સની લાસ્કો ગુફાઓમાં થયેલા ચિત્રો ૩૦૦૦/૪૦૦૦ વર્ષો પૂર્વે થયેલા હોવા છતાં માનવીની દૈનિક ગતિવિધીનો પરિચય કરાવે છે. ભારતમાં પણ આ જ પરંપરા સદીઓથી પાંગરતી રહી છે…. દુનિયાના જે જે વિસ્તારોમાં પાષાણયુગની ગુફાઓ મળી આવી છે ત્યાં ભીંતચિત્રો કે આલેખનોનો સુંદર ખજાનો સંશોધનકારો અને પુરાતત્વવિદ્યા તથા કલાક્ષેત્રે શિરમોર સમાન છે. ”

સિંહોરના રામમંદિરના ભીંતચિત્રો વિશે કુમાર સામયિકમાં પ્રસિદ્ધ ( ૧૯૭૧ ) લેખમાં શ્રી ખોડીદાસ પરમાર કહે છે કે ” પોતાનામાં ઢાળેલી અમૂર્ત ઊર્મિને મૂર્ત સ્વરૂપ આપતો દરેક ક્લાસર્જક મનના તળ ઊંડાણમાં ઓછાવત્તા પ્રમાણમાં વિચારતો જ હોય છે કે પોતાનું સર્જન સૌ કોઈ જુએ, માણે અને તેનો આનંદ લે. પોતાના સર્જનનો આનંદ તેને છે જ પણ કલાકારે નિર્મેલ કલાકૃતિના સૌંદર્યથી દરેક દર્શક પોતાની સૂઝ પ્રમાણે આનંદ લે છે અને રંગરેખા તેમજ ચિત્રિત પ્રસંગોના રચના માધુર્યથી પ્રસન્નતા અનુભવે છે. જો ચિત્ર વિષય ધાર્મિક કે પૌરાણિક હોય તો પોતે સાંભળેલી કથાવાર્તાને પ્રત્યક્ષ ચિત્ર સ્વરૂપે જોઈ તે વધુ આનંદ પામે છે.. ”

કલાગુરુ શ્રી રવિશંકર રાવળ ભીંતચિત્રો સંદર્ભે જણાવે છે કે ; ” આ ચિતારાને પર્સપેક્ટિવ કે એનાટોમીના નિયમો નડ્યા નથી. તેને મન ભીંત મોટું ચિત્રપટ છે. પ્રસંગ પૂરો થાય ત્યાં ચારે તરફ લિટીની હદ મારી અડોઅડ બીજું ચોકઠું પાડી તે જુદો પ્રસંગ મૂકે છે. તે જરૂર પડે તેમ માનવીના કદ બદલી નાખે છે. ઘણી વખત કોઈ પાત્ર શું કરે છે તેની અક્ષરનોંધ પણ મૂકે છે. ”

ગ્રંથના મૂળ લેખક શ્રી પ્રદીપ ઝવેરી લખે છે કે ” રામાયણ, અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામની સ્તુતિનો સંગ્રહ છે, જે સૌથી વધુ સચિત્ર વિષયોમાંનો એક છે. આ વિષય પર આધારિત ચિત્રો ખૂબ જ દ્રષ્ટાંતરૂપ છે, પછી ભલે તે કોઈપણ માધ્યમ પર દોરવામાં આવ્યા હોય. યુગોથી રામાયણનું વર્ણન વિવિધ શૈલીઓ અને ભારતીય કલાની પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવ્યું છે, જેમાં લોકકલા અને ભારતમાં ફેલાયેલા મહેલો, મંદિરો અને સામાન્ય લોકોના ઘરની દિવાલો પરનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સૂચિમાં મુખ્યત્વે રામાયણ વિષય પર આધારિત ભીંતચિત્રોનો સમાવેશ થાય છે જે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ રજૂ કરવામાં આવેલ છે.
? ડૉ. રમણિક યાદવ ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.