ભેંસાણા ગામની બે બહેનોની ખુદદાર કહાની, જેમણે ભક્તિ થકી સમગ્ર વિસ્તારમાં અલખ ધૂન જગાવી
બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલા ભેંસાણા ગામમાં એક ઠાકોર પરિવારમાં જન્મેલી શારદાબેન અને રમાબેનને નાની ઉંમરથી જ પ્રભુ ભક્તિ અને ભજનમાં રસ હતો. તેથી બન્ને બહેનોના લગ્ન જીવનથી દૂર રહી ભક્તિ કરવાના ર્નિણય થી પરિવાર પણ વ્યાકુળ હતો. દીકરીઓના ર્નિણયને બદલવા તેમના દ્વારા અનેક પ્રયાસો કરાયા છતાં અનેક પ્રકારના સામાજિક સંઘર્ષ સહન કરીને પણ બન્ને બહેનો તેમના ર્નિણય પર અડગ રહી હતી અને તેથી જ આજે સમગ્ર પંથકમાં તેમની સેવાકીય પ્રવૃતિની સુવાસ ફેલાઈ છે. ભક્તિમાં માનતી બંને બહેનો શારદાબેન અને રમાબેને વર્ષો પહેલાં ગૃહ ત્યાગ કર્યો હતો. પોતાના ગામમાં હેમાબા ચૌધરી નામના વ્યક્તિના મૃત્યુ પછી તેમની યાદમાં બનેલા પાળીયાના સહારે પાળીયા અને રાધે કૃષ્ણની ભક્તિ થકી તેમણે આ વિસ્તારમાં અલખ ધૂન જગાવી. જે આજે ભક્તિની સાથે-સાથે સેવાની પણ મિસાલ બની છે. વર્ષો પહેલાં એકાંત જગ્યામાં નાની કુટિયાના સહારે શરૂ થયેલી ભક્તિની જગ્યામાં, એક વ્યક્તિએ નાની વાછરડી આપી હતી અને ત્યારથી ભક્તિ સાથે ગૌ-સેવાની પણ શરૂઆત થઈ હતી. સાથે લોકોએ પણ બીમાર ગાયો અને પક્ષી આ જગ્યામાં મૂકવાનું શરૂ કર્યું હતું અને વર્ષો વીતતાં આજે આ જગ્યાએ રામ રમા આશ્રમ બની અનેક જીવોની સેવા કરી રહ્યો છે. અને માનવજાતને બે ઘડી શાંતિ આપે તેવું સુંદર જીવો માટેનું સ્થાન બન્યો છે. ગામડાની બે બહેનોની આ ખુદદાર કહાની ‘સંતને સંતપણા મફતમાં નથી મળતા’ ઉક્તિને પણ સાચા અર્થમાં સાર્થક કરે છે.
ગૃહત્યાગ કરી નાની ઉમરે ભક્તિ અને સેવાના માર્ગે નીકળેલી બે બહેનોની જાેડ તુટી
અમે એ પણ જણાવી દઈએ કે અમે જે બે બહેનોના જીવનની વાત કરી રહ્યા છીએ, તેમાં હાલમાં એક જ શારદાબેન હયાત છે. જ્યારે રમાબેનનું નાની ઉમરે થોડા સમય પહેલા જ નિધન થઈ ચૂક્યું છે. રમાબેનના નિધન બાદ નાની ઉમરથી તેમણે બાળકની જેમ ઉછેરેલા અંજની નામના કપીરાજે પણ તેમના વિરહમાં ખાધા પીધા વિના ૧૧મા દિવસે પ્રાણ આપી દીધા હતા. જેથી અંજનીને પણ આશ્રમ ખાતે રમાબેનની સમાધિની પાસે જ સમાધિ આપવામાં આવી છે. આ ૧૧ દિવસ દરમિયાન અનેક લોકો અંજની અને રમાબેનના નિસ્વાર્થ સંબંધોના સાક્ષી બન્યા હતા. અને ત્યારથી આ આશ્રમ ખૂબ જ જાણીતો થયો છે.
ગાયોના નામે ગૌચર છોડાયેલી જમીનમાં અનેક જીવોને જીવનદાન મળ્યું
‘રખેવાળ’ના આ વિશેષ અહેવાલ થકી હેમા-બા ચૌધરી અને તેમની યાદમાં બનેલા તેમના પાળીયાને પણ લોકો ફરી અચૂક યાદ કરશે કારણ કે વર્ષો પહેલાં તેમના નિધન બાદ તેમના પરિવાર દ્વારા જે જમીનનું ગાયો માટે ગૌચર તરીકે દાન થયું હતું. તેનો ઉપયોગ આજે સાચા અર્થમાં ગાયો જ નહી,પણ અન્ય હજારો પશુ-પક્ષીઓના નિભાવ માટે થઈ રહ્યો છે.
અનેક વર્ષોના સંઘર્ષ બાદ સરકાર આગળ આવી : ખાલી હાથે ઘર છોડી ભક્તિના માર્ગે નીકળેલી બહેનો ભગવાન ભરોસે હતી. શરૂઆતમાં જીવોને નિભાવવા ગામમાં રામ ધૂન બોલી દાણા લવાતા હતા અને બાદમાં સેવાભાવિ લોકોએ દાન આપવાનું શરૂ કર્યું હતું. આમ, અનેક વર્ષોના કઠીન સંઘર્ષ બાદ આખરે ગાયો માટે સરકાર આગળ આવતા અહી ૨૦૧૬થી સરકારી સહાય મળવાનું શરૂ થયું છે. જેના થકી અનેક પશુ-પક્ષીઓનો આજે નિભાવ થઈ રહ્યો છે. હાલમાં રામ રમા આશ્રમ ખાતે ૨૨૦૦થી વધુ ગાયો, ૩૦૦થી વધુ કૂતરા તેમજ ખૂબ મોટી સંખ્યામાં અલગ-અલગ પક્ષી સહિત નીલગાયો આ આશ્રમ ખાતે વસવાટ કરી રહ્યા છે.