CM રૂપાણીએ ભાંગરો વાટ્યો, એશિયાડમાં ગોલ્ડ મેડલ વિનર સરિતાને 2 કરોડને બદલે આપ્યા 1 કરોડ

હાલ ઈન્ડોનેશિયાના જાકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ગુજરાતની આદિવાસી ગર્લ સરિતા ગાયકવાડે 4×400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે. તેની આ સિદ્ધિને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ઈનામ પેટે એક કરોડનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. પરંતુ સરકારની રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની વેબસાઇટ પર મુકવામાં આવેલી માહિતી મુજબ, સરિતા 1 કરોડની નહીં પણ 2 કરોડની હક્કદાર છે.
 
સરકારની રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની વેબસાઇટ જોવા મળતી માહિતી મુજબ, એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારને 2 કરોડનું રોકડ ઈનામ આપવામાં આવે છે. તો શું મુખ્યમંત્રી આ વાતથી અજાણ હશે? કે પછી રમત-ગમત વિભાગ અને મુખ્યમંત્રી વચ્ચે સંકલનનો અભાવ છે?
 
ગુજરાત સરકારે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વેબસાઇટ પર કયા રમતોત્સવમાં કયો મેડલ જીતવાથી સરકાર કેટલું ઇનામ આપશે તેની રકમ સહિતની જાણકારી આપવામાં આવી છે. જેમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળે તો 2 કરોડ, કોમનવેલ્થમાં જીતે તો 1 કરોડ અને ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતે તો 5 કરોડ આપવાનો ઉલ્લેખ છે.આમ સીએમઓ કે અધિકારીઓએ આ વેબસાઇટ જોઇને મુખ્યમંત્રીને જાણ કરી હોત તો તેને 2 કરોડ મળી શક્યા હોત.
 
ગુજરાતને ગૌરવ અપાવનારી ગોલ્ડન ગર્લ સરિતાને રોકડ ઈનામ આપવામાં પણ રૂપાણી સરકાર ગોથા ખાઈ રહી હોય તેમ લાગે છે. વેબસાઈટમાં કરવામાં આવેલા ઉલ્લેખ અને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત વચ્ચેનો તફાવત જોઈને લાગી રહ્યું છે કે, સરકારની રોકડ રકમના ઈનામની ખરેખર પોલિસી શું છે તે અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.