૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર ૬૨.૮૯ ટકા મતદાન

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર, ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠક પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં ૬૨.૮૯ મતદાન થયું છે. હવે બીજા તબક્કા માટે રાજકીય પક્ષો છેલ્લી ઘડીની દોડાદોડી કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે અમદાવાદમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આજે અમિત શાહ પણ પ્રચારના મેદાનમા ઉતરી ગયા છે. રાજકીય પક્ષો હવે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસમાં પણ પ્રચારની કમાન રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ સંભાળી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ અને ભગવંત માન રોડ શો યોજીને લોકોને મત માટે અપીલ કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ જ પાટીદારોના એપીસેન્ટર ગણાતા જેતપુરની બાજુમાં જામકંડોરણામાંથી ફૂંકયું હતું. આ જંગી સભા સ્થળે એક લાખ લોકોનું ભોજન રાખવામાં આવ્યું હતું. પાટીદારોના એપીસેન્ટર સમા જેતપુરમાં જ સૌથી ઓછું મતદાન આ વખતે થયું છે. ગયા વખતે ૨૦૧૭માં ૭૧ ટકા મતદાન થયું હતું, જ્યારે આ વખતે ૬૩.૨૨ ટકા જ મતદાન થયું છે, એટલે ૭.૨૨ ટકા મતદાન ઓછું થયું છે. ઓછું મતદાન પરિણામમાં મેજર અપસેટ સર્જી શકે. માત્ર જેતપુર જ નહીં, અમરેલી, ધોરાજી, મોરબી જામનગર સાઉથ, જામનગર ગ્રામ્ય અને સુરતમાં વરાછા, સુરત ઉત્તર, કતારગામ સહિતના વિસ્તારોમાં ૨થી ૬ ટકા સુધી ઓછું મતદાન થયું છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાનો ચૂંટણીપ્રચાર કરશે અને ૪ સ્થળે સભા સંબોધશે, જેમાં બનાસકાંઠાના કાંકરેજમાં નાથપુરા ગામે દેવ દરબાર જાગીર મઠ, પાટણમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ, આણંદના સીબી પટેલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ અને અમદાવાદના

સરસપુરમાં વિક્રમ મિલ કમ્પાઉન્ડ ખાતે જનસભા સંબોધશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કડીમાં રોડ શો અને ડીસામાં જનસભા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરશે. આજે તેઓ અરવલ્લી જિલ્લાના ભિલોડા અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર જનસભાને સંબોધશે.
જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે વડગામના પાંચડામાં જીજ્ઞેશ મેવાણી માટે ચૂંટણી પ્રચાર કરશે. તો શક્તિસિંહ ગોહિલ ઠાસરા અને માતર ખાતે જનસભાને સંબોધશે. તો સાંસદ ઈમરાન પ્રતાપગઢી બાલાસિનોર અને દાહોદમાં સભા કરશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉત્તર ગુજરાતનાં ૪ શહેરમાં રોડ શો કરશે, જેમાં અરવલ્લીના ભિલોડા, સાબરકાંઠાના ઈડર, હિંમતનગર અને પ્રાંતિજમાં રોડ શો કરશે અને સાથે સાથે લોકોને સંબોધશે. તો રાજ્યસભા સાંસદ અને આપના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા પણ ૪ શહેરમાં રોડ શો કરશે, જેમાં ગાંધીનગરના દહેગામ અને ગાંધીનગર દક્ષિણ, મહેસાણાના કડી અને અમદાવાદના નરોડામાં ચૂંટણી પ્રચાર કરશે. તો આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અમદાવાદમાં વટવા અને ઠક્કરબાપાનગરમાં જનસભા સંબોધશે,. જ્યારે આપના ગુજરાતમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી પેટલાદ અને મહુધામાં જનસભા સંબોધશે. જ્યારે પાસના પૂર્વ નેતા અને આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા ૩ સ્થળે રોડ શો અને એક સ્થળે સભા કરશે. કપડવંજ, દસક્રોઈ અને નિકોલમાં રોડ શો અને બેચરાજીમાં કથીરિયાની સભા છે.

વહેલી સવારે છ વાગ્યાથી શરૂ થયેલી રેડની કામગીરીમાં સુરતની સાથે સાથે વડોદરા સહિતના અધિકારીઓ પણ જોડાયા છે. અંદાજે ૧૦૦થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે.સુરત શહેરમાં વેસુથી લઈને હીરા ઉદ્યોગકારોનાં ઘર અને બિલ્ડરની ઓફિસથી લઈને ઘર સુધીનાં અલગ અલગ અંદાજે ૨૦થી ૨૨ કરતાં વધુ સ્થળો પર રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં દિવાળી બાદ બિલ્ડરલોબી દ્વારા બ્લેકમાં કરાયેલા ધંધા તથા હીરા ઉદ્યોગમાં હાલ મંદી હોવા છતાં દિવાળી પહેલાં દબાવી રાખવામાં આવેલા નફાને લઈને બેનામી સંપત્તિ મોટી માત્રામાં બહાર આવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદાનના બીજા જ દિવસે રેડ પડતાં લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે આ વખતે બિલ્ડરલોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા યોગ્ય રીતે સાથ ન આપ્યો હોવાથી તેમના પર રેડ પડી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.