નવરાત્રિની મંજૂરી અંગે નાયબ મુખ્યમંત્રીનો સંકેત, સરકાર નવરાત્રિની છૂટછાટ આપવા વિચારી રહી છે.

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારીને કારણે વિશ્વના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા નવરાત્રિ ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ અંગે રૂપાલના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.

નીતિન પટેલે આગળ કહ્યું કે, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રિ પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રિને લઈને ખેલૈયા અને આયોજકો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી. પરંતુ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રિ પહેલા જાહેરાત કરશે.

નાયબ મુખ્યમંત્રીના નવરાત્રિને છૂટ આપવાના સંકેત મુજબ, જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો થર્મલ સ્ક્રિનિંગ બાદ એન્ટ્રી અને ખેલૈયા માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે. તેની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, મેદાનની લંબાઇ, પહોળાઈ, માસ્ક કે ફેસશિલ્ડ પહેરી રમવું, નેપકીન ફરજિયાત, પાણીની બોટલ સાથે લઈ આવવા જેવી નવરાત્રિ ગાઇડ લાઇન આવી શકે છે.

રાજ્યમાં નવરાત્રિ અંગે હજુ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર દબાણ વધારી દીધું છે. તેઓએ માંગ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રિ કાર્યક્રમ કરવા દેવા જોઇએ. જેથી આ ક્ષેત્રના લોકોની રોજગારી જળવાઇ રહે. અનલોક–4માં ઘણી બધી રાહતો આપવામાં આવી છે ત્યારે સરકારે પણ આ મહિનાના અતં સુધીમાં કોઇ નિર્ણય લેવો જોઇએ.

એક તરફ ગરબા એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું છે કે કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવે છે. રાજ્યમાં બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી છે ત્યારે ગરબાના કલાસ તેમજ નવરાત્રિના આયોજનને મંજૂરી આપવી જોઇએ. બીજી તરફ ઇવેન્ટ સંચાલકોએ પણ સરકાર પર દબાણ વધાર્યું છે છતાં સરકારે કોઇ સ્પષ્ટતા હજી સુધી કરી નથી. ગત મહિને જ્યારે ઇવેન્ટ સંચાલકો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયા હતા ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અતં સુધીમાં સરકાર નવરાત્રી અંગે નિર્ણય લેશે.

રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંજૂરી આપે તે પછી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે. અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છે પરંતુ કોરોના સંક્રમણ હજી ચાલુ હોવાથી તેમજ સંક્રમણ વધતું હોવાથી અત્યારના તબક્કે સરકાર કોઇ નિર્ણય લઇ શકે તેમ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.