ક્રિકેટના ઝઘડામાં દલિત યુવાન પર તલવારથી હુમલો

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. તે વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફા મારી, જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. જે બાબતે સમાધાન થયા બાદ પાછળથી સાત શખ્સો કાર લઈ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના પિતા ઉપર હુમલો કરતા તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાબતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. જેમણે આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઈલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કાકોશી ગામે જે દલિત સમાજ અને બીજા એક સમાજ વચ્ચે મેચ દરમિયાન થયેલી તકરારમાં આઠ વર્ષના રુદ્ર વણકર નામના એક માસૂમ બાળકે દડો પાછો ન આપતાં સામેવાળા પક્ષના લોકો ઉશ્કેરાયા હતા. જેમાં સમાધાન થયા બાદ સામેવાળા પક્ષે ફરી ધમકી આપતાં ફરી સમાધાન થયું હતું. આ બાદ કાયરતાપૂર્વક આ આઠ વર્ષના બાળક ઉપર જાણે વેર વાળવાનું હોય એવી ભાવના સાથે એના પિતાનો હાથનો અંગૂઠો અને ડાબા હાથની હથેળી કાપી નાખી. ચાકુ અને તલવારના ઘા કરી હત્યાની કોશિશ કરી. આઠ વર્ષના બાળકને અને એના પિતાને જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા, બાળકને ગાલ ઉપર તમાચા માર્યા અને જમીનમાં દાટી દેવાની ધમકી આપી.

જિગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આટલી ગંભીર ઘટના હોવા છતાં હજી સુધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. IPCની લાગુ પડતી જ્યુવેનાઈલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો હેઠળ ગુનો દાખલ નથી કરાયો. પોલીસ ક્યાંક ને ક્યાંક આરોપીઓને બચાવી રહી હોય એવું લાગી રહ્યું છે. પોલીસે કંઇ કામ નથી કર્યું એવું નથી પણ જે ગંભીરતાથી કામ કરવું જોઇએ એ નથી કર્યું. આ પીડિત પરિવારને ન્યાય મળે એ માટે આજે રાજ્યના પોલીસ વડાને રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને આવતીકાલે જરૂર પડ્યે પાટણ બંધનું એલાન પણ કરવાના છીએ.

આ ઘટનામાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણને ઝડપવાના બાકી છે. આ અંગે સિદ્ધપુર DySP કે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, રવિવારે સાડા છ વાગ્યે ફરિયાદી અને આરોપીઓને ઝઘડો થયો હતો. એ બાબતે કુલ સાત આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચાર આરોપીઓને ઝડપી લીધા છે. તપાસ દરમિયાન સિદ્ધરાજસિંહ નામના આરોપીને પણ ઇજા થયેલી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.