ભાભર પંથકમાં હોલા નામના હજારો પંખીઓનાં ગંભીર બીમારીના કારણે ટપોટપ મોત
રખેવાળ ન્યુઝ ભાભર
ભાભર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી હોલા નામના પંખીડાઓ માં ભેદી રોગના કારણે હજારો પંખીઓનુ મોત થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ભાભર તાલુકાના સણવા લાડુલા ગોસણ ઉજ્જનવાડા વગેરે ગામોમાં હોલા નામના આ પંખીઓમાં ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે. જેના કારણે આવા હજારો પંખીડાઓ તરફડી તરફડીને મોતને ભેટી રહ્યા છે.
સણવા ગામોના ખેડૂત રમેશભાઈ પરમારે જણાવ્યું હતું, કે ભાભર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી હોલા નામના પંખીઓમાં જીવલેણ રોગચાળો જોવા મળી રહ્યો છે. આ પંખીડાઓને પ્રથમ ગળાના ભાગે સોજો આવે છે અને બે દિવસમાં તરફડીને મૃત્યુ પામેલા જોવા મળી રહ્યા છે.આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા આ પંખીઓમાં થતા રોગોને કાબુમાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વધુમાં જાણવા મળે છે કે કેટલાક ખેડૂતોમાં એવો ભય છે કે આ પંખીડાઓ માં થયેલ રોગનો વાયરસ માણસમાં નહિ આવે ને ? તેવો ભય પેદા થયો છે. જેના કારણે પંથકના ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.