મોટા જમીનધારકોના રેશનકાર્ડ યથાવત અને ગરીબોના કાર્ડ બંધ ? પુરવઠા તંત્રની કામગીરી સામે ઉઠ્યા ભેદભાવના આક્ષેપો
અરજદારૉની અરજીઓ છતાં ન્યાય નહીં મળતા લાભાર્થીઓમાં રોષ, RTI અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી હવે ગંભીર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. સરકાર દ્વારા વધુ જમીન ધરાવતા અને નિયમો મુજબ અપાત્ર ઠરતા લાભાર્થીઓના રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તાલુકાના અનેક ગામોમાંથી એવી ફરિયાદો સામે આવી રહી છે કે વાસ્તવમાં રેશનનો લાભ મેળવવા પાત્ર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના જ રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે.લાભાર્થીઓના જણાવ્યા મુજબ અનેક કિસ્સાઓમાં જમીનની વાસ્તવિક માલિકી, વારસાઈ હિસ્સેદારી, સંયુક્ત કુટુંબની જમીન અને વ્યક્તિગત હકની યોગ્ય ચકાસણી કર્યા વિના માત્ર નોંધણીના આધારે રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અનેક પરિવારો છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સરકારશ્રીના અનાજ અને અન્ય આવશ્યક સહાયથી વંચિત રહ્યા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે, એક તરફ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો પોતાના હક માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ તાલુકામાં અનેક મોટા જમીનધારકો અને આર્થિક રીતે સક્ષમ પરિવારોના રેશનકાર્ડ હજુ પણ ચાલુ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે સમગ્ર કાર્યવાહી સામે સવાલો ઉભા થયા છે કે, શું નિયમોનો અમલ દરેક માટે સમાન રીતે કરવામાં આવ્યો છે કે પછી પસંદગીયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે? અસરગ્રસ્ત લાભાર્થીઓએ તાલુકા પુરવઠા કચેરીમાં લેખિત અરજીઓ રજૂ કરી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હોવા છતાં હજુ સુધી ઘણા કિસ્સાઓમાં કોઈ અસરકારક નિર્ણય લેવાયો નથી. અરજદારોનું કહેવું છે કે તેમના નામે કોઈ ખેતીલાયક જમીન નથી અથવા માત્ર પત્નીનો પિતા ની જમીનમાં નાનો વારસાઈ હિસ્સો જ બને છે, તેમ છતાં તેમને મોટા જમીનધારકોની શ્રેણીમાં મૂકી રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે હવે પુરવઠા વિભાગની કામગીરી અને તપાસ પ્રક્રિયા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. જો વાસ્તવિક સ્થિતિની તપાસ કર્યા વિના રેશનકાર્ડ બંધ કરવામાં આવ્યા હોય તો તેની જવાબદારી કોની? ગરીબ પરિવારોને મહિનાઓ સુધી અનાજથી વંચિત રાખવાના નિર્ણય માટે જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.લોકોમાં ચર્ચા છે કે જો મોટા જમીનધારકોના કાર્ડ ચાલુ રહી શકે તો પછી વારસાઈ હિસ્સેદારી ધરાવતા અથવા જમીન વિહોણા પરિવારોના કાર્ડ કયા આધારે બંધ કરવામાં આવ્યા? આ પ્રશ્નોના જવાબ હજુ સુધી તંત્ર આપી શક્યું નથી.અસરગ્રસ્ત લાભાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. સાથે સાથે તાલુકામાં અત્યાર સુધી કેટલા રેશનકાર્ડ બંધ કરવામાં આવ્યા, કયા માપદંડના આધારે બંધ કરવામાં આવ્યા, અને ખરેખર વધુ જમીન ધરાવતા કેટલા લોકોના કાર્ડ હજુ પણ ચાલુ છે તે અંગે માહિતી મેળવવા માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ અરજીઓ કરવામાં આવશે.
લાભાર્થીઓએ જણાવ્યું છે કે RTI દ્વારા મળતી વિગતોના આધારે સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર, રાજ્યના પુરવઠા વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે. હાલ સમગ્ર રાધનપુર તાલુકામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને ગરીબ વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.





