ચારમાંથી બે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતું વધુ એક મોટું કૌભાંડ મહેસાણા જિલ્લામાં ઝડપાયું છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને કડી તાલુકાના બુડાસણ ગામની સીમમાં મોટાપાયે નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ધમધમતી હોવાની ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી. આ માહિતીના આધારે એલસીબી પીઆઈ અનિરુદ્ધ કામલીયાની આગેવાનીમાં પોલીસ કાફલાએ મોડી રાત્રે જ બુડાસણ ગામ નજીક ઓચિંતી રેડ પાડી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસની આ અણધારી એક્શનથી બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પોલીસના દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી અંદાજે ૧૫૦ પેટી જેટલો તૈયાર કરાયેલો નકલી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહીં, બુટલેગરો દ્વારા કેમિકલ મિશ્રિત ઝેરી દારૂ બનાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે, LCB પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને ઘટનાસ્થળેથી જ દબોચી લીધા છે. જેમાં મહેન્દ્રસિંહ નવલસંગ ઝાલા (રહે. રિદ્ધિ રેસિડેન્સી, કડી) અને ઠાકોર વિજયજી બચુજી (રહે. બુડાસણ, કડી) નો સમાવેશ થાય છે.
જોકે, દરોડા દરમિયાન આ કૌભાંડના અન્ય બે મુખ્ય ભાગીદારો પોલીસને થાપ આપીને ભાગી જવામાં સફળ રહ્યા હતા, જેમાં પટેલ ગગનભાઈ જયંતીભાઈ (રહે. બુડાસણ, કડી) અને વાઘેલા હર્ષદભાઈ મગનભાઈ (રહે. પ્રહલાદનગર સોસાયટી, બુડાસણ) નો સમાવેશ થાય છે. પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર હાઈપ્રોફાઈલ નેટવર્ક અંગે હાલમાં કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા બન્નેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટ દ્વારા બન્નેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્સ મંજુર કરતા આ નકલી દારૂ ક્યાં સપ્લાય થવાનો હતો અને કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું, તે દિશામાં મહેસાણા એલ.સી.બી. દ્વારા ઊંડાણપૂર્વક આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક ચલાવનારા આરોપીઓ રીઢા ગુનેગારો છે અને અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પટેલ ગગનકુમાર સામે અગાઉ કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, કોપીરાઈટ એક્ટ, ટ્રેડમાર્ક એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ૩ ગુના અને સાણંદ પોલીસ સ્ટેશનમાં ૧ ગુનો નોંધાયેલો છે. જ્યારે હર્ષદભાઈ વાઘેલા સામે અગાઉ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ૧ અને કડી પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ૧ ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ સિવાયના ઠાકોર વિજયજી સામે અગાઉ કડી પોલીસ સ્ટેશનમાં મારામારી અને જી.પી.એક્ટ હેઠળ ૨ ગુના નોંધાયેલા છે.





