સીનીયર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ
મસાલાના વિશ્વપ્રસિદ્ધ એવા ઊંઝા માર્કેટમાં લોકોની સુખાકારી અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી મહેસાણા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ઊંઝાના મકતુપુર પાસે આવેલી એક ફેક્ટરીમાં આકસ્મિક તપાસ હાથ ધરીને અંદાજે રૂપિયા ૨.૪૬ લાખની કિંમતનો શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લા ફૂડ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને સી.આઈ.ડી.પોલીસની મદદથી પાર પાડવામાં આવી હતી. મહેસાણા-પાલનપુર હાઈવે પર મકતુપુર રોડ પર હોટલ સહારા પાસે આવેલ ગણેશ ક્લીનીંગ નામની પેઢીમાં પેઢીના માલિક પટેલ મહેશભાઈ મણિલાલ આ દરોડા પાડવામાં આવ્યા હતા. સીનીયર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર જઈને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં વરિયાળી અને વરિયાળી (એડલટ્રન્ટ) તથા ગ્રીન કલર (એડલટ્રન્ટ) મળી આવતા જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમે વિવિધ નમૂનાઓ એકત્ર કર્યા હતા. જેમાં ૧૩ કિલોગ્રામ લુઝ વરિયાળી, ૧૭ કિલોગ્રામ જેટલો વરિયાળીમાં ભેળવવાનો ગ્રીન કલર (એડલટ્રન્ટ) અને અંદાજે ૨,૪૪,૮૦૦ રૂપિયાની કિંમતની ૪૮૯૮ કિલોગ્રામ શંકાસ્પદ વરિયાળી (એડલટ્રન્ટ) નો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આશરે કુલ ૨,૪૬,૧૬૪ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરાશે.





