રૂ. 5.95 લાખનો મુદ્દામાલ જપ્ત
ઊંઝા ખાતે આવેલ અમદાવાદ-પાલનપુર હાઇવે રોડ પર નાગડેરી ફેક્ટરી પાસેની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર ઊંઝા પોલીસ, પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસ.ઓ.જી.શાખાએ સંયુક્ત દરોડો પાડ્યો હતો. સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં જુગાર રમતા અને રમાડતા ઈસમોમાં અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્યા ઇસમ રૂષિકેશ પંચાલ બહારથી માણસો બોલાવીને પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડતો હતો. જુગારમાં રોકડ રૂપિયા સીધા વાપરવાને બદલે રૂ. 1000, રૂ.500 અને રૂ.100 ના દર દર્શાવતા ખાસ પ્લાસ્ટિક/ધાતુના કોઈનનો નાણાં તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. અને રમત પૂર્ણ થયા બાદ હિસાબ ચૂકવાતો હતો.
દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી રૂષિકેશ પંચાલ સહિત કુલ 24 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાલકિશોરનો પણ સમાવેશ થાય છે. ઝડપાયેલા ઇસમોમાં ઊંઝા, વિજાપુર, મક્તપુર, પાટણ અને બનાસકાંઠા વિસ્તારના લોકો સામેલ છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.4,640, રૂ.81,800 ની કિંમતના કુલ 274 નંગ કોઈન, રૂ. 2,99,000 ની કિંમતના 14 મોબાઈલ ફોન, રૂ.10,000 નું એક એક્ટિવા, રૂ. 2,00,000 ની કિંમતની એક ફોર-વ્હીલર ગાડી અને ગંજીપત્તા મળીને કુલ રૂ. 5,95,440 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ ઇસમો સામે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





