મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં નાગરિક સુવિધાઓ પ્રત્યે બેદરકારી દાખવતી એજન્સીઓ સામે લાલ આંખ કરી છે. શહેરીજનો અને રમતવીરો માટે ફાળવવામાં આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું સંચાલન કરતી ખાનગી એજન્સીએ કરારની શરતોનો ભંગ કરતાં પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. આ એજન્સી દ્વારા સમયસર મેદાનનું ભાડું ચૂકવવામાં ન આવતાં, તંત્રએ ત્વરિત કાર્યવાહી કરીને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો સંપૂર્ણ વહીવટ તાત્કાલિક અસરથી પોતાના હસ્તક લઈ લીધો છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ. બી.મંડોરીના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ પગલાંમાં આર્થિક વસૂલાત પર ભાર મૂકવામાં આવ્યો છે. એજન્સી પાસે મનપાનું આશરે ૧૫ થી ૧૬ લાખ રૂપિયા જેટલું માતબર ભાડું બાકી હોવાથી, તંત્ર દ્વારા એજન્સીની ૧૨ લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે. વારંવારની સૂચનાઓ છતાં રકમ ન ચૂકવનાર આ એજન્સી પાસેથી બાકીના નાણાં વસૂલવા માટે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. જરૂર પડ્યે એજન્સીની અન્ય મિલકતો પર બોજો દાખલ કરીને પણ પાલિકા પોતાના બાકી લેણાંની પાઈ-પાઈ વસૂલ કરશે.
માત્ર આર્થિક કારણો જ નહીં, પરંતુ મેદાનની કથળતી જાળવણી પણ આ કાર્યવાહીનું મુખ્ય કારણ બની છે. એજન્સી દ્વારા ગ્રાઉન્ડનું યોગ્ય મેન્ટેનન્સ ન રખાતા સ્થાનિક ખેલાડીઓને ભારે અગવડતા પડી રહી હતી, જેની ફરિયાદો છેક પાલિકા સુધી પહોંચી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે મહેસાણા મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે હવે આ મેદાન અન્ય કોઈ ખાનગી સંસ્થા કે પાર્ટીને સોંપવામાં નહીં આવે. રમતવીરોને ઉત્કૃષ્ટ વાતાવરણ અને સુવિધાઓ મળતી રહે તે હેતુથી આગામી સમયમાં મનપા જાતે જ આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું સંપૂર્ણ સંચાલન કરશે.





