ચોમાસાની ઋતુ દરમિયાન પાટણ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકા અને આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મોટા વાહનો જ્યાં પહોંચી શકતા નથી તેવી પોળ અને સાંકડી ગલીઓમાં નાના હેન્ડ ફોગિંગ મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરી રહેલા મશીન ઓપરેટરએ જણાવ્યું હતું કે દરરોજ જુદા જુદા વિસ્તારોને આવરી લઈને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મશીન ચલાવવા અને દવાનો છંટકાવ કરવા માટે ખાસ ટેકનિકલ પદ્ધતિ અપનાવવામાં આવે છે. 20 લીટર તૈયાર કરાયેલી દવાના મિશ્રણને સ્પ્રે/ધુમાડો બનાવવા માટે અંદાજે 2 લીટર પેટ્રોલનો વપરાશ થાય છે. દવાનો આટલો જથ્થો એક વખતમાં અંદાજે 10 જેટલી નાની-મોટી સોસાયટીઓ કે મોહલ્લાઓને આવરી લેવા માટે પૂરતો થાય છે.તંત્ર દ્વારા મચ્છરોના નિકાલ માટે પાયરેથ્રમ 2% એક્સટ્રેક્ટ) નામની જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દવા મચ્છરો અને અન્ય હાનિકારક કીટકોનો ત્વરિત નાશ કરવા માટે અત્યંત અસરાકારક માનવામાં આવે છે. મુખ્યત્વે ચોમાસામાં વધતા ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા ઘાતક મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવામાં મદદ મળે છે.





