રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને હાકલ કરાઈ
પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ થાય જમીનનું જતન થાય અને દેશભરમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેવા આશય સાથે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કંથરાવી મુકામેથી ખેત બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તારીખ ૧-૬-૨૦૨૬ થી ૩૦-૬-૨૦૨૬ સુધી દેશભરમાં આ ઝુંબેશ ચલાવવા આહવાન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાતો તેમજ ખેતીવાડી વિભાગના તજજ્ઞો અને અધિકારીઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. કંથરાવી ખાતે આયોજિત ખેડૂત માર્ગદર્શન શિબિરમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનોને સમતોલ અને સંતુલિત ખાતરના વપરાશ અંગે માહિતગાર કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા વિશેષ અનુરોધ કરાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે જમીન ચકાસણીનું મહત્વ સમજાવી ખેડૂતોને વૈકલ્પિક ખાતરો જેવા કે નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.નો ઉપયોગ કરવા તેમજ જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધારવા માટે લીલો પડવાસ અપનાવવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ભારત સરકારની વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત પ્રમાણિત બિયારણ વિતરણનો લાભ લેવા, પાક નિદર્શનો ગોઠવવા અને આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે જગુદન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટીથી પધારેલ હિરેનભાઈએ વૈજ્ઞાનિક પદ્ધતિથી સમતોલ ખાતર વપરાશ અને બાયો ફર્ટીલાઇઝરનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે ડી.એસ.સી.ના પ્રતિનિધિએ ગાય આધારિત ખેતી અને કપાસનું ઉત્પાદન વધારવાના ચાવીરૂપ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપી હતી.
આ સાથે જ ગ્રામસેવકો દ્વારા ફાર્મર રજીસ્ટ્રી અને પીએમ કિસાન યોજનાની પ્રક્રિયા સમજાવી ખેડૂતોને રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા જણાવાયું હતું. આગામી ખરીફ સિઝનમાં રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અંગે ઉપસ્થિત ખેડૂતોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ અભિયાન અંતર્ગત આજે મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. આ ખેડૂત શિબિરમાં મદદનીશ ખેતી નિયામક હિરેનભાઈ પટેલ, આનર્ત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ગ્રામસેવક અમિતાબેન, ગ્રામસેવક નીલમબેન સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેતીવાડી વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.





