મહેસાણા અને ઊંઝાને જોડતા હાઇવે પર એક મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ફતેપુરા બાયપાસ પાસે આવેલી તનુ મોટર્સ નજીકથી પસાર થઈ રહેલી એક ઇલેક્ટ્રિક કારમાંથી અચાનક જ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં કારે ભયંકર આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વહેલી પરોઢે બનેલા આ બનાવને પગલે હાઇવે પર થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી.
આ ઘટનાની જાણ તાત્કાલિક ધોરણે મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમ પોતાના લશ્કર સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને કાર પર સતત પાણીનો મારો ચલાવ્યો હતો. અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે કોઈ પણ વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચી ન હતી અને એક મોટી જાનહાનિ ટળી હતી.





