નગરસેવક જયાબેન ઠાકોરે વીડિયો જાહેર કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી, સ્થાનિક રહીશોમાં પણ અસંતોષની લાગણી
રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર-1 હેઠળ આવેલા સુખપુરા વિસ્તારમાં તાજેતરમાં નિર્માણ પામેલા નવા સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડના કામને લઈને વિવાદ ઊભો થયો છે. વોર્ડના નગરસેવક જયાબેન ઠાકોરે વીડિયો જાહેર કરીને રોડના કામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના તેમજ મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મુદ્દે સ્થાનિક રહીશોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું જણાવાયું છે.
નગરસેવકના જણાવ્યા મુજબ રોડનું કામ પૂર્ણ થવાના થોડા જ સમયમાં અનેક જગ્યાએ તિરાડો પડવા લાગી છે તેમજ સિમેન્ટના પોપડા ઊખડી રહ્યા હોવાનું જોવા મળે છે. તેમના આક્ષેપ મુજબ રોડના નિર્માણમાં સિમેન્ટ અને રેતીનું પ્રમાણ યોગ્ય રીતે જાળવવામાં આવ્યું નથી તેમજ પ્લાસ્ટિક સહિતની હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે રોડ પરથી રેતી અને કપચી પણ છૂટી રહી હોવાનું તેઓએ જણાવ્યું છે.
આક્ષેપોમાં વધુમાં જણાવાયું છે કે રોડના નિર્માણ દરમિયાન સરકાર દ્વારા નક્કી કરાયેલા ગુણવત્તાના ધોરણો અને ટેકનિકલ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નથી. રોડની નિર્ધારિત જાડાઈ (થિકનેસ) કરતાં ઓછી જાડાઈ રાખીને કામ કરવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે રોડની ગુણવત્તા અને ટકાઉપણાં અંગે સવાલો ઊભા થયા છે.સ્થાનિક રહીશોનું કહેવું છે કે રોડની ગુણવત્તા અંગે અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં સંબંધિત જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ પર યોગ્ય તપાસ કરવામાં આવી નથી. જેના કારણે સમગ્ર કામગીરીમાં જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઊભા થયા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
નગરસેવક જયાબેન ઠાકોરે માંગ કરી છે કે, સમગ્ર રોડના કામની કોઈ સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય એજન્સી દ્વારા તટસ્થ તપાસ કરાવવામાં આવે જેથી વાસ્તવિક હકીકત સામે આવી શકે. ઉપરાંત જો કામમાં ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી સંબંધિત અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ પ્રજાના હિતમાં રોડનું ફરીથી ગુણવત્તાયુક્ત નિર્માણ કરાવવામાં આવે.
જયાબેન ઠાકોરે જણાવ્યું છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો નગરપાલિકા કચેરીએ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવશે તેમજ સમગ્ર મામલાની રજૂઆત ગાંધીનગર ખાતે સંબંધિત વિભાગો અને સતર્કતા (વિજિલન્સ) વિભાગ સમક્ષ પણ કરવામાં આવશે. આ સમગ્ર મામલે નગરપાલિકાના સંબંધિત અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરનો સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી. તેમનો પક્ષ પ્રાપ્ત થશે તો તેને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે.





