બનાસની ભૂમિએ લોકશાહીનો ડંકો વગાડ્યો

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ૫ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં કુલ-૯ વિધાનસભા બેઠકો પર અમુક નાની મોટી ઇવીએમ ખોટવાવાની ઘટનાને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ હતી.જેમાં બનાસકાંઠા જિલ્લાએ આ બીજા ચરણની ચૂંટણીમાં આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. જિલ્લાની નવ બેઠકો પર બીજા ચરણનું સહુથી વધુ ૭૨.૪૯ ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર ૮૬.૯૧ ટકા અને સૌથી ઓછું મતદાન પાલનપુર બેઠક પર ૬૨.૬૩ ટકા નોંધાયું છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ મશીનને જગાણા એન્જિનિયર કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે. આઠ તારીખે વહેલી સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે આ ઇવીએમ મશીન જ્યાં રાખવામાં આવ્યા છે. તે જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તમામ સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ સ્ટ્રોંગ રૂમના બહાર સ્ક્રીન મૂકવામાં આવી છે. જ્યાં કોઈ પણ વ્યક્તિ આ તમામ રાખેલા ઇવીએમ મશીન ને સીસીટીવીને કેમેરાની મદદથી જોઈ શકાશે. જગાણા એન્જિનિયર કોલેજ ખાતે તમામ ઇવીએમ મશીન મૂકવામાં આવ્યા છે. જ્યાં સીઆરપીએફ પોલીસ સહિત મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનો મૂકવામાં આવ્યા છે. ૮ તારીખે મતગણતરી યોજાશે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

૧૮,૦૫,૬૬૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું
બનાસકાંઠા જિલ્લાના ૨,૬૧૩ મતદાન મથકો પર લોકોએ ઉત્સાહપૂવર્ક ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. બનાસ કાંઠા જિલ્લામાં કુલ-૨૪,૯૦,૯૨૬ નોંધાયેલા મતદારો પૈકી પુરૂષ મતદારો-૯,૭૫,૭૮૯ અને સ્ત્રી મતદારો-૮,૨૯,૮૬૯ અને ૪ અન્ય મતદારો મળી કુલ ૧૮,૦૫,૬૬૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં આ વખતે મતદારોએ ખૂબ જ ઉત્સાહથી મતદાન કરતાં મતદાતાઓની સંખ્યામાં જબરજસ્ત વધારો થયો છે.વોટિંગની ટકાવારીમાં ગત ચૂંટણી કરતાં ર.૭૬ ટકા ઘટાડો હોવા છતાં ૧ લાખ ૯૨ હજાર ૩૯૬ વધુ મતદારોએ મતદાન કર્યું છે.જિલ્લાની પ્રત્યેક સીટ પર મતદારોની સંખ્યા વધી છે.એટલું જ નહીં ટકાવારીની દ્રષ્ટિએ સહુથી ઓછું મતદાન પાલનપુરમાં થયું છે,તેમ છતાં ગત ચૂંટણી કરતાં અહીં પણ ૬ હજાર જેટલાં વધુ મતદારોએ મતદાન કર્યું છે.તેથી મતદારોની વધેલી સંખ્યા આ વખતે નિર્ણાયક બનશે તેમ રાજકીય સૂત્રો જણાવે છે. તેથી આ ૨ લાખ આસપાસ વધુ મતદારોએ કોની બાઝી બગાડી અને કોનું નસીબ ઉગાડ્યું તે દુવિધામાં ઉમેદવારો અટવાયા છે. આટલા બધા મતદારોની સંખ્યા વધતાં નેતાજીઓ ટેંશનમાં આવી ગયા છે.હવે શું થશે નું મનોમન મંથન નેતાઓનું ઊંઘ હરામ કરી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.