IPL 2027 પહેલાં રાજસ્થાન રોયલ્સના કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્ચાઈઝી ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને રિલીઝ કરવાનું વિચારી રહી છે અને મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ટ્રેડની સંભાવના અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, આ મામલે રાજસ્થાન રોયલ્સ કે યશસ્વી જયસ્વાલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
રિયાન પરાગને કેપ્ટન બનાવાતા યશસ્વી નારાજ: રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજસ્થાન રોયલ્સનું મેનેજમેન્ટ યશસ્વી જયસ્વાલના વલણથી ખુશ નથી. તેનું એક કારણ રિયાન પરાગને યશસ્વી કરતાં પહેલાં ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવ્યાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
IPL 2026માં યશસ્વીનું પ્રદર્શન: યશસ્વી જયસ્વાલે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે 16 મેચમાં 427 રન બનાવ્યા હતા. તેણે 30.50ની સરેરાશ અને 152.50ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. સમગ્ર સિઝનમાં તેના બેટમાંથી ત્રણ અડધી સદી આવી હતી. બીજી તરફ, રાજસ્થાનના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાની આક્રમક બેટિંગથી સમગ્ર સિઝનમાં ખાસ છાપ છોડી હતી. તેણે 16 મેચમાં 237.30ના સ્ટ્રાઈક રેટથી 776 રન બનાવ્યા હતા. વૈભવે ઓરેન્જ કેપ ઉપરાંત સુપર સિક્સિસ અને સુપર સ્ટ્રાઈકરનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.
હાર્દિક પંડ્યા રાજસ્થાનમાં જોડાઈ શકે: રાજસ્થાન રોયલ્સને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની જરૂરિયાત હોવાનું માનવામાં આવે છે. આ જ કારણસર હાર્દિક પંડ્યાના ટ્રેડની અટકળોએ વધુ જોર પકડ્યું છે. આ પહેલાં પણ હાર્દિક પંડ્યાના ટ્રેડને લઈને અહેવાલો સામે આવ્યા હતા. હાર્દિકને ચેન્નાઈ સુપર કિંગ્સમાં સામેલ કરવાની ચર્ચા વચ્ચે રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ જેવી ટીમો પણ તેના પર નજર રાખી રહી હોવાના અહેવાલો આવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડની વાત નકારી: હાર્દિકના ટ્રેડને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સના પ્રવક્તાએ Sportstar સાથેની વાતચીતમાં ખેલાડીઓના ટ્રેડ અંગે કોઈ વાતચીત ચાલી રહી હોવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં યશસ્વી જયસ્વાલ કે હાર્દિક પંડ્યાના ટ્રેડ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. તેથી આ સમગ્ર મામલો અત્યારે માત્ર મીડિયા રિપોર્ટ્સ અને અટકળો સુધી મર્યાદિત છે. IPL 2027ની તૈયારીઓ આગળ વધશે તેમ આ મામલે સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.
યશસ્વી જયસ્વાલને રિલીઝ કરી શકે રાજસ્થાન રોયલ્સ! હાર્દિક પંડ્યા સાથે ટ્રેડની અટકળો





