નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે જાહેર કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય ટીમમાં સંગઠનને મજબૂત બનાવવા માટે અનેક નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહાસચિવ સહિત વિવિધ પદો પર નેતાઓની નિમણૂક કરવામાં આવી છે. નવી ટીમમાં સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ અને વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે બી.એલ. સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) તરીકેની જવાબદારી યથાવત રાખવામાં આવી છે.
અમિત માલવિયાને IT સેલમાંથી હટાવાયા: ભાજપના સંગઠનમાં સૌથી મોટા ફેરફારો પૈકી એક IT સેલમાં કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાજપના IT સેલની જવાબદારી સંભાળતા અમિત માલવિયાને આ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ દીપક મહસ્કેને નવા IT સેલ હેડ બનાવવામાં આવ્યા છે. દીપક મહસ્કે 2014થી છત્તીસગઢ ભાજપના IT સેલના પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા હતા. હવે તેમને રાષ્ટ્રીય સ્તરે IT સેલની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
નવી ટીમમાં 12 મહિલાઓને સ્થાન: નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમમાં કુલ 12 મહિલાઓને મહત્વની જવાબદારીઓ આપવામાં આવી છે. વસુંધરા રાજે, ડી. પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન દોશી, ડૉ. ભારતી પવાર અને ડૉ. મધુચંદ્ર કારને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાની, કવિતા પાટીદાર, ફાંગ્નોન કોન્યાક અને સંગીતા યાદવને રાષ્ટ્રીય સ્તરે મહત્વની સંગઠનાત્મક જવાબદારી આપવામાં આવી છે. રૂપ કુમારી ચૌધરીને મહિલા મોરચાના અધ્યક્ષ અને પ્રીતિ ગાંધીને સોશિયલ મીડિયા સહ-સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે.
રામ માધવની પણ વાપસી: નવી ટીમમાં રામ માધવને ફરીથી મહત્વની જવાબદારી આપવામાં આવી છે. તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુનિલ બંસલને રાષ્ટ્રીય મહામંત્રી અને ડૉ. સંદીપ પાઠક, ડૉ. સ્વદેશ સિંહ તથા જય પ્રકાશને રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી આપવામાં આવી છે. દિલ્હીને નવી ટીમમાં ખાસ મહત્વ મળ્યું છે. બી.એલ. સંતોષ, સુનિલ બંસલ, રામ માધવ સહિત અનેક નેતાઓને સંગઠનના મહત્વના પદો આપવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાંથી 8 નેતાઓને સ્થાન: નવી ટીમમાં ઉત્તર પ્રદેશનું પણ મોટું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. રેખા વર્મા અને પ્રો. તારિક મન્સૂરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, સ્મૃતિ ઈરાની અને હરીશ દ્વિવેદીને રાષ્ટ્રીય મહાસચિવ, જ્યારે ડૉ. ભોલા સિંહ અને સંગીતા યાદવને રાષ્ટ્રીય સચિવની જવાબદારી આપવામાં આવી છે. અમરપાલ મૌર્યને ભાજપ OBC મોરચાના અધ્યક્ષ અને કુંવર બાસિત અલીને લઘુમતી મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના 4 નેતાઓને સ્થાન: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી પણ ચાર નેતાઓને મહત્વની જવાબદારી મળી છે. વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવની જવાબદારી આપવામાં આવી છે. ડૉ. હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
અન્ય રાજ્યોમાંથી પણ નેતાઓને મહત્વની જવાબદારી: મધ્ય પ્રદેશમાંથી લાલસિંહ આર્ય, ગજેન્દ્ર પટેલ, કવિતા પાટીદાર, વિષ્ણુ દત્ત શર્મા, બંસીલાલ ગુર્જર અને આશિષ ઉષા અગ્રવાલને સ્થાન મળ્યું છે. રાજસ્થાનમાંથી વસુંધરા રાજે, સતીશ પુનિયા, રાજેશ મંગલ અને ડૉ. મન્નાલાલ રાવતને જવાબદારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી ડૉ. ભારતી પ્રવીણ પવાર, વિનોદ તાવડે, પીયૂષ ગોયલ અને પ્રીતિ ગાંધીનો સમાવેશ થયો છે. ઉત્તરાખંડ, બિહાર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાંથી પણ અનેક નેતાઓને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જાન્યુઆરીમાં નીતિન નબીન બન્યા હતા ભાજપના અધ્યક્ષ: નીતિન નબીનને 20 જાન્યુઆરી 2026ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ જે.પી. નડ્ડાના સ્થાને પાર્ટીના નવા અધ્યક્ષ બન્યા હતા. 19 જાન્યુઆરીએ તેમના નામની બિનહરીફ ચૂંટણી થઈ હતી. 45 વર્ષની ઉંમરે નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. હવે તેમની નવી ટીમની જાહેરાત સાથે ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
ભાજપ સંગઠનમાં ફેરફાર: સ્મૃતિ ઈરાની-વસુંધરા રાજેને મહત્વની જવાબદારી, તમામ મોરચાના અધ્યક્ષ બદલાયા

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ, ત્રણેય નામ ખૂબ જ મહત્વપૂર્ણ
57 મિનિટ પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમની જાહેરાત
59 મિનિટ પહેલા
રાષ્ટ્રીયઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં અંધાધૂંધી; દર્શનાર્થીઓની ભીડ વધતા 3 લોકો ઘાયલ
3 કલાક પહેલા
રાષ્ટ્રીય"રાજ્યો હાથીઓના માર્ગમાં અવરોધ ન લાવી શકે", સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નવેસરથી સર્વે કરવાનો નિર્દેશ
3 કલાક પહેલા
