ઉત્તર ગુજરાતની જીવન રેખા સમાન હાઇવે માર્ગ ઉપર હજારો વાહનોની રોજીંદી અવરજવર
કરોડોના કોરિડોર પહેલાં જન સુરક્ષા પર ભાર : બ્રિજોના સેફ્ટી ઓડિટની જરૂર
બનાસકાંઠા અને પાટણ જિલ્લાના મહત્વપૂર્ણ હાઇવે માર્ગ પાટણ– શિહોરી હાઈ સ્પીડ કોરિડોરને રાજ્ય સરકારે મંજૂરી આપતાં ઉત્તર ગુજરાતના વિકાસને નવી દિશા મળવાની આશા વ્યક્ત થઈ રહી છે. જોકે કોરિડોરનું કામ શરૂ થાય તે પહેલાં અને કામગીરી દરમિયાન જનસુરક્ષા જળવાઈ રહે તે માટે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચસ્તરે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ખાસ કરીને વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન રોડ) ની અગાઉથી વ્યવસ્થા ઉભી કરવાની માંગને પ્રાથમિકતા આપવામાં આવી છે.
પાટણ–શિહોરી માર્ગ ઉત્તર ગુજરાતની જીવન રેખા સમાન ગણાય છે. બનાસકાંઠાના શિહોરી, કાંકરેજ, ભાભર, થરાદ, વાવ સહિતના વિસ્તારોના લોકો આરોગ્ય, વેપાર, શિક્ષણ અને રોજગાર માટે મોટી સંખ્યામાં આ માર્ગનો ઉપયોગ કરે છે. પાટણ શહેર આરોગ્ય સેવાઓનું મુખ્ય કેન્દ્ર હોવાથી દરરોજ હજારો દર્દીઓ અને તેમના સ્વજનો પણ આ માર્ગે અવરજવર કરે છે.રજૂઆતમાં જણાવાયું છે કે હાલ આ માર્ગ પર ભારે વાહન વ્યવહાર રહે છે અને વારંવાર અકસ્માતો સર્જાતા લાંબા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે. ખાસ કરીને પાટણ જિલ્લાના વિસ્તારમાં આવેલા ત્રણ જૂના બ્રિજ સતત ભારે વાહનોનો બોજ સહન કરી રહ્યા હોવાથી તેમની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
જો કોરિડોરની કામગીરી દરમિયાન અથવા ભવિષ્યમાં કોઈ બ્રિજને નુકસાન પહોંચે અને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડે તો સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગંભીર પરિવહન સંકટ ઊભું થઈ શકે છે. આથી સરકાર દ્વારા તાત્કાલિક વૈકલ્પિક માર્ગોની ઓળખ કરી જરૂરી ડાયવર્ઝન રોડ તૈયાર રાખવા માંગ કરવામાં આવી છે, જેથી કોઈ પણ આપત્તિ સમયે વાહનવ્યવહાર ખોરવાઈ ન જાય. આ ઉપરાંત તમામ બ્રિજોની સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ, ભાર વહન ક્ષમતાની તપાસ, અકસ્માત પ્રવણ સ્થળોએ ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર અને લાઇટિંગની સુવિધા વધારવા, ભારે વાહનો માટે વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકવા તેમજ કોરિડોરનું કામ પૂર્ણ થવાની સમય મર્યાદા જાહેર કરવાની પણ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.





