રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા7 જૂન, 2026| Super Admin

મહેસાણા જિલ્લાના સતલાસણા-ખેરાલુ માર્ગ પર ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ: બેફામ દોડતા વાહનો સામે વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક

મહેસાણા જિલ્લાના સતલાસણા-ખેરાલુ માર્ગ પર ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ: બેફામ દોડતા વાહનો સામે વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક

મહેસાણા જિલ્લાના સતલાસણા અને ખેરાલુને જોડતા હાઈવે પર આજકાલ ખનીજ વહન કરતા ભારે વાહનોનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. નિર્ધારિત ક્ષમતા કરતાં અનેકગણું વધુ વજન ભરીને રાત-દિવસ દોડતા ઓવરલોડ હાઈવા ડમ્પરોએ ટ્રાફિકના કાયદાઓની ઐસીતૈસી કરી નાખી છે. ખુલ્લેઆમ નિયમોનો ભંગ થતો હોવા છતાં સ્થાનિક પોલીસ, આરટીઓ (RTO) અને સંબંધિત વિભાગો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તંત્રની આ ગુનાહિત નિષ્ક્રિયતા અને શૂન્ય કાર્યવાહીને પગલે રોજેરોજ આ માર્ગ પરથી પસાર થતા સામાન્ય નાગરિકોમાં હવે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ હાઈવે પરથી પુરપાટ ઝડપે પસાર થતા આ ભારેખમ ડમ્પરો જાણે રસ્તા પર સાક્ષાત યમરાજ બનીને ફરતા હોય તેવી ભયાનક સ્થિતિ નિર્માણ પામી છે. સરકારી નિયમો અનુસાર કોઈપણ ખનીજ કે માલસામાન ભરેલા વાહનને તાડપત્રીથી સંપૂર્ણપણે ઢાંકવું અત્યંત ફરજિયાત છે. જોકે, કાયદાનો ડર ન હોવાથી આ ડમ્પર ચાલકો ખુલ્લામાં જ અને તાડપત્રી બાંધ્યા વિના ખનીજનું પરિવહન કરી રહ્યા છે. પરિણામે, બેફામ ગતિએ દોડતા આ વાહનોમાંથી સતત કપચી અને ઝીણી ડસ્ટ (ધૂળ) હવામાં ઉડીને પાછળ કે બાજુમાંથી પસાર થતા અન્ય વાહનચાલકો પર પડે છે.

તાડપત્રી વિનાના આ ડમ્પરોના આતંકથી ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો અને નાના વાહન ચલાવતા લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. હવામાં ઉડતી ધૂળના કારણે વિઝિબિલિટી ઘટે છે અને રસ્તા પર પડતા પથ્થરોના કારણે ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાવાનું જોખમ તોળાઈ રહ્યું છે. તંત્ર જાણે કોઈ મોટી અને ગોઝારી દુર્ઘટના સર્જાય તેની જ રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. સ્થાનિક જનતા હવે એવી સખત માંગ કરી રહી છે કે વહીવટી તંત્ર સત્વરે જાગે અને આ ઓવરલોડ તેમજ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરો સામે કડકમાં કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.

ટેગ્સ:#Mehsana District

સંબંધિત સમાચાર