કોર્ટમાં કેસ હારતા જ પાલિકાએ લાલ આંખ કરી : 2400 સ્ક્વેર મીટર વિસ્તારમાં થયેલા વર્ષો જૂના કાચા-પાકા દબાણોનો સફાયો
બનાસકાંઠાના ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને જાહેર રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત સોમવારે શહેરના હરિઓમ સ્કૂલ પાછળ આવેલા ભારત માતા પાર્ક વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર પાલિકાના બુલડોઝરે ગર્જના કરી હતી. વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો પર જેસીબી ફેરવી દઈ અંદાજે રૂ. 5 કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, હરિઓમ સ્કૂલની પાછળ અને ભારત માતા પાર્કના મુખ્ય માર્ગ પર કેટલાક શખ્સોએ લાંબા સમયથી પાકા દબાણો અને ફેન્સિંગ કરીને સરકારી જમીન પચાવી પાડી હતી. આ મામલે પાલિકાએ અગાઉ નોટિસ ફટકારી હતી, જેની સામે દબાણદારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, કાયદાકીય લડતમાં દબાણદારોની હાર થતા જ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. અને આજે સોમવારે સવારથી જ પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.પાલિકાની ટીમે જેસીબી મશીન વડે રસ્તા પર નડતરરૂપ પાકા મકાન સેડ તેમજ લોખંડની ફેન્સિંગ સહિત અન્ય ગેરકાયદેસર બાંધકામોના તમામ દબાણો દૂર કરી કુલ 2400 સ્ક્વેર મીટર જેટલી વિશાળ જગ્યા ખાલી કરાવી હતી. તંત્રની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી દબાણ કર્તાઓમાં ફાળ પડી ગઇ હતી. વર્ષોથી જામી પડેલા આ દબાણો દૂર થતાં હવે આ વિસ્તારનો માર્ગ વધુ મોકળો બન્યો છે. "શહેરના વિકાસ અને ટ્રાફિકની સુવિધા માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવા અનિવાર્ય છે. હરિઓમ સ્કૂલ પાછળની આ કામગીરી બાદ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સર્વે કરી દબાણો હટાવવાની પ્રક્રિયા ચાલુ રહેશે. આ ખુલ્લી કરાયેલી જમીનનો ઉપયોગ આગામી સમયમાં પ્રજાલક્ષી કામો માટે કરવામાં આવશે. તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.





