મહેસાણા જિલ્લામાં આવેલા અંબાસણ ગામમાં રવિવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે. ગામના ધૂળિયા તળાવ નજીક કેટલાક યુવાનો ઘેટાં-બકરાં ચરાવી રહ્યા હતા ત્યારે અચાનક એક ઘેટું પાણીમાં ખાબક્યું હતું. આ અબોલ જીવને બચાવવાની લાયમાં બે યુવાનોએ પાણીમાં છલાંગ લગાવી હતી, પરંતુ તેમનો આ પ્રયાસ એક મોટી કરુણાંતિકામાં ફેરવાઈ ગયો હતો.
પાણીમાં ડૂબી રહેલા બંને યુવાનોને જોઈને આસપાસના લોકો તુરંત મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે સમયસૂચકતા વાપરીને લાકડીની મદદથી એક યુવકને તો હેમખેમ બહાર ખેંચી લીધો હતો, પરંતુ ૨૧ વર્ષીય શૈલેષ નામનો યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ મહેસાણા ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે શોધખોળના અંતે પાણીમાંથી શૈલેષનો મૃતદેહ શોધી કાઢીને પરિવારજનોને સુપરત કર્યો હતો.
આશાસ્પદ યુવાનના અકાળ મૃત્યુથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર અંબાસણ ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. આ ગોઝારી ઘટનાને પગલે હવે સ્થાનિક ગ્રામજનોએ માંગ કરી છે કે આવા જોખમી જળાશયો પાસે તાત્કાલિક ધોરણે ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવે અને જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. બીજી તરફ, સ્થાનિક પોલીસે પણ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





