પાટણ-ચાણસ્મા હાઈવે પર સંખારી ત્રણ રસ્તાથી રાજપુર તરફ જતા માર્ગની એક તરફની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર બની છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા અને તિરાડો પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધમધમતા આ માર્ગ પર તૂટેલા રસ્તાના કારણે અકસ્માતની શક્યતા પણ વધી રહી છે.
પાટણ જિલ્લા મથક હોવાથી ચાણસ્મા અને હારીજ તરફથી રોજ મોટી સંખ્યામાં લોકો અને વાહનો પાટણ તરફ અવરજવર કરે છે. સંખારી નજીકના માર્કેટયાર્ડમાં વિવિધ પાકનું વેચાણ કરવા ખેડૂતો પણ આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી અહીં દિવસ-રાત ભારે વાહનવ્યવહાર રહે છે. આવા વ્યસ્ત માર્ગની હાલત ખરાબ હોવા છતાં સમારકામ નહીં થતાં વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.રસ્તા પર પડેલા મોટા ખાડા અને તિરાડોથી બચવા માટે વાહનચાલકોને અચાનક દિશા બદલવી પડે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોનું સંતુલન બગડવાની શક્યતા રહેતી હોવાથી અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ માર્ગ પર મોટા ખાડા પડ્યા હતા. અને હવે ફરીથી રસ્તાની સ્થિતિ ખરાબ થઈ છે. ત્યારે આ માગૅ ને તાત્કાલિક ધોરણે પેચવર્ક કે નવિનીકરણ કરવાની માંગ ઉઠવા પામી છે.





