પ્રમોશન, બદલી અને જોબ ચાર્ટની વિસંગતતાઓ સહિતના પ્રશ્નોના નિરાકરણની માંગ
પાટણ જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા જિલ્લાના આશરે 300 કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા છે. આ આંદોલનના કારણે આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ, જમીનની નોંધો અને સેવા સેતુ સહિતની સરકારી સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખના જણાવ્યા અનુસાર, રેવન્યુ તલાટીઓના જોબ ચાર્ટમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા, અન્ય વિભાગની બિનજરૂરી કામગીરીઓ હટાવવા, બેઠક વ્યવસ્થા સુધારવા અને જરૂરી સ્ટાફ પૂરો પાડવા માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વર્ષ 2012માં જીપીએસસી પાસ કરી નાયબ મામલતદાર બનેલા કર્મચારીઓને હજુ સુધી પ્રમોશન મળ્યા નથી, જ્યારે તેમની સાથે પરીક્ષા પાસ કરી ડીવાયએસઓ બનેલા કર્મચારીઓ વર્ગ-1 અને અંડર સેક્રેટરી સુધી પહોંચી ગયા છે.
રજ્જુ ગણાતા મહેસૂલી કર્મચારીઓની તમામ માંગણીઓ નિયમાનુસાર હોવા છતાં તેનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.કર્મચારીઓની આ હડતાળના પગલે સામાન્ય જનજીવન અને સરકારી કચેરીઓની કામગીરી પર ગંભીર અસર પડી છે. જાતિના દાખલા, આવકના દાખલા, રહેઠાણ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા કે કમી કરવા, કાર્ડનું વિભાજન, આયુષ્માન ભારત અંતર્ગત મા કાર્ડ બનાવવાની કામગીરી તેમજ જમીનને લગતી નોંધો અને સેવાસેતુ કાર્યક્રમની કામગીરી અટકી પડી છે. કર્મચારી મંડળે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની તમામ માગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે.





