ભેમાળ ક્વોરીમાંથી કપચી ભરી સતલાસણા તરફ જતી વખતે અકસ્માત સર્જાયો
દાંતા તાલુકાના ભેમાળ નજીક દાંતા- સતલાસણા હાઈવે પર આવેલા આંબાઘાટા હિલના ઢાળમાં કપચી ભરેલું ડમ્પર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ડમ્પર નંબર જીજે-02-બીટી-2395 ભેમાળની ક્વોરીમાંથી કપચી ભરી સતલાસણા તરફ જઈ રહ્યું હતું. સવારે આશરે 10 વાગ્યાના સુમારે આંબાઘાટાના ઢાળ પર પહોંચતા ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે ડમ્પર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાયું હતું અને ત્યારબાદ પલટી મારી ગયું હતું.
અકસ્માતમાં ડમ્પરને નુકસાન થવા પામ્યું હતું. જોકે સદનસીબે ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત બાદ રોડ પર ડમ્પરમાંથી ડીઝલ તેમજ કપચી ઢોળાઈ જતાં માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.





