પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્ય એશિયાના મહત્વપૂર્ણ પ્રવાસે ઉઝબેકિસ્તાન જવા રવાના થયા છે. વડાપ્રધાન 29થી 30 ઓગસ્ટ દરમિયાન ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 26મી સમિટમાં ભાગ લેશે. પ્રવાસ પહેલા પીએમ મોદીએ જણાવ્યું કે તેઓ આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના પડકારોથી મુક્ત પ્રદેશના નિર્માણ માટે SCOના સભ્ય દેશો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે કહ્યું કે આ પડકારો માત્ર પડોશી દેશો જ નહીં, પરંતુ વિશ્વના અન્ય વિસ્તારોમાં પણ શાંતિ અને સ્થિરતા માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
તાશ્કંદ બાદ પીએમ મોદી બિશ્કેક પહોંચશે, જ્યાં તેઓ SCOની 26મી સમિટમાં ભાગ લેશે. સમિટ દરમિયાન તેઓ સુરક્ષા, કનેક્ટિવિટી અને આર્થિક તક સહિતના મુદ્દાઓ પર ભારતની પ્રાથમિકતાઓ રજૂ કરશે. વડાપ્રધાન SCOના અન્ય સભ્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન ભારતના મધ્ય એશિયા સાથેના સંબંધો, પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદ સામે સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.





