બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે ચાલતી ઝુંબેશ અંતર્ગત ડીસા રૂરલ પોલીસ મથકના સ્ટાફને મોટી સફળતા મળી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રામસણ ગામે ભાદરા રોડ પર આવેલી એક દુકાનની પાછળ ઓચિંતી રેઇડ કરીને પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો મુજબ, ડીસા રૂરલ પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રામસણ ગામે પહોંચતા ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે, રામસણ ગામે ભાદરા રોડ ઉપર રહેતો એક ઈસમ પોતાની દુકાનમાં વિદેશી દારૂ રાખી છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રાહદારી પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ ઓચિંતી રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન દુકાન પર એક ઈસમ હાજર મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઈશ્વરસિંહ પદમસિંહ રાઠોડ (ઉં.વ. 45, ધંધો-ખેતી, હાલ રહે. રામસણ, તા. ડીસા, મૂળ રહે. ભુરટીયા, તા. જી. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પંચોની હાજરીમાં સદરે શખ્સને સાથે રાખી દુકાનની પાછળના ભાગે આવેલી બાવળોની ઝાડીઓમાં સઘન તપાસ હાથ ધરતા ત્યાં છુપાવી રાખેલી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જે થેલી ખોલીને જોતાં તેમાંથી 'ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી' ના માર્કાવાળો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ઓફીસર્સ ચોઈસ પ્રાઈમ વ્હિસ્કીનંગ-06 (કિંમત 1476), વાઇટલેશ વોડકા ઓરેંજ ફ્લેવર નંગ-10 (કિંમત 2030) અને કિંગફીસર સુપર સ્ટ્રોંગ બીયર નંગ-05 (કિંમત 1215) મળી આવ્યા હતા.
આમ, પોલીસે વગર પાસ-પરમિટનો કુલ 21 નંગ બોટલ/ટીન કિંમત રૂપિયા 4,721નો ગેરકાયદેસર મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધો છે. આ મામલે પોલીસે પકડાયેલા આરોપી ઈશ્વરસિંહ રાઠોડ વિરૂદ્ધ ધી પ્રોહીબિશન એક્ટની કલમ-65 (એ) (એ), 116 (બી) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





