મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા રાજપુર ગામમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી જમીનમાં ઉતારવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગામના એક બોરવેલમાંથી અચાનક લાલ રંગનું પ્રદૂષિત પાણી આવવા લાગતા ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ગંભીર બાબતની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ કેમિકલ માફિયાઓને પકડવા માટે GPCB દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી અને ગુપ્ત વોચ ગોઠવવામાં આવી હતી. જેના આધારે નંદાસણ પોલીસે બાતમી મેળવીને કેમિકલયુક્ત ગંદુ પાણી ઠાલવતા ટ્રેક્ટરના ચાલક કમલેશ ભાભોર અને વાહન માલિક જાવીડમિયા કુરેશીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતું GJ 02 EC 3807 નંબરનું ટેન્કર જપ્ત કર્યું છે અને GPCBના પ્રાદેશિક અધિકારીની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફેક્ટરીઓમાંથી નીકળતા જોખમી કેમિકલ કચરાના યોગ્ય નિકાલ માટે સરકારના કડક નિયમો હોવા છતાં, આવા તત્વો માત્ર નફાખોરી માટે લોકોના જીવ અને પર્યાવરણ સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. જમીનમાં આવું ઝેરી પાણી ઉતારવાથી ભૂગર્ભ જળ અત્યંત દૂષિત બને છે, જે આવનારી પેઢીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જી શકે છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા લોકોને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.





