નમસ્તે ટ્રમ્પ : મહિલા કોન્સ્ટેબલેના એક વર્ષના દીકરા સાથે અમદાવાદ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ના બંદોબસ્તમાં
વડોદરાઃ ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકાર એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે, બીજી બાજુ મહિલા પોલીસ કર્મીઓ સાથે ફરજના નામે જોહુકમી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે રજૂઆત છતાં તેણીને એક વર્ષના દીકરા સાથે અમદાવાદ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ના બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા છે. દીકરાને આંખમાં ઈન્ફેક્શન હોવાછતાં સાથે લઈને સંગીતાબહેન પરમાર ૧૯ ફેબ્રુઆરીથી અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે.
વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ ખાતે ૨૪ ફેબ્રુઆરીના રોજ આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બંદોબસ્તમાં ૫૦૦થી પોલીસ જવાનો મોકલવામાં આવ્યા છે. જેમાં વડોદરા શહેરના આઇ.પી.સી.એલ. ટાઉનશિપમાં રહેતા અને વડોદરાના ગોરવા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંગીતાબહેન રણજીતસિંહ પરમારને પણ મોકલવામાં આવ્યા છે. તેઓને એક વર્ષનો પુત્ર ધ્રુવ છે. અને આજે પણ તે સ્તનપાન કરે છે. તેઓને અમદાવાદના રાયચંદનગર રોડ ઉપર બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે.
પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબહેન પરમારે જણાવ્યું હતું કે, મને ૧૯ ફેબ્રુઆરીની રાતથી બંદોબસ્તમાં મોકલવામાં આવી છે. મારે એક વર્ષનો પુત્ર છે. તેણે આંખોમાં ઇન્ફેક્શન થયું છે. આંખો ખોલી શકતો નથી. ગઇકાલે મે સાકેજ ગામમાં રહેતા મારા સબંધિના ઘરે મૂકીને બંદોબસ્તમાં આવી હતી. મારો જ્યાં બંદોબસ્ત છે. ત્યાંથી ૨૪ કિલોમીટર ગામ છે. મારો પુત્ર ગઇકાલે આખો દિવસ રડ્યો છે. આજે હું મારી સાથે બંદોબસ્ત સ્થળે લઇને આવી છું. બંદોબસ્ત સ્થળ પર સાડીનો ઝૂલો બાંધીને તેને આરામ કરાવી રહી છું.પુત્રની તબિયત સારી ન હોવા છતાં ફરજના ભાગરૂપે બંદોબસ્તમાં આવી છું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારો પુત્ર નાનો હોવાથી મને બંદોબસ્તમાં ન મોકલવા માટે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી હતી. પરંતુ મારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી. હાલ મારા પુત્રની તબિયત સારી ન હોવા છતાં મારી ફરજના ભાગરૂપે બંદોબસ્તમાં આવી છું. મને બંદોબસ્તમાં આવવા સામે કોઇ વાંધો નથી. માત્ર મારા પુત્રના કારણે મને તકલીફ છે. જેના બાળકો નાના હોય તેવા મહિલા કર્મચારીઓને બંદોબસ્તથી દૂર રાખવા જોઇએ. એવી મારી લાગણી છે. હાલ અમારો બંદોબસ્ત સવારે ૮ રાત્રીના ૯ વાગ્યા સુધીનો છે. મને મારા પુત્રની ચિંતા છે.