
ઘટસ્ફોટ@ગુજરાત: 150 શાળાઓએ GSSSBની પરીક્ષાના ફુટેજ જ મોકલ્યા નથી
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચોરી અને ગેરરીતિની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જેને રોકવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીટીવીનો સહારો લેવામાં આવે છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે શાળાઓ દ્વારા સીસીટીવી ફુટેજ મોકલવામાં જ નથી આવતા. ગત 29 ડિસેમ્બરના રોજ યોજાયેલી ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષાઓના સીસીટીવી ફુટેજ હજુ સુધી મોકલવામાં નહિ આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ 150 શાળાઓની યાદી બનાવી છે. જેઓને તાત્કાલિક અસરથી સીસીટીવી ફુટેજ મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરાયા બાદ 29 ડિસેમ્બરનાં રોજ ગૌણ સેવા પસંદગી મંડળની અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં કાર્યાલય અધિક્ષક વર્ગ-3 માટે 60 હજાર, વિવિધ સરકારી અધિક્ષક માટે યોજાયેલી પરીક્ષામાં 90 હજાર જેટલઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટી માટે 94 હજાર ઉમેદવારોએ પરિક્ષા 29 તારીખે આપી હતી. આ માટે અમદાવાદમાં ફાળવાયેલા વિવિધ સેન્ટરોમાંથી 150 જેટલી શાળાઓએ હજુ સુધી સીસીટીવી ફુટેજ ગૌણસેવા પસંદગી મંડળને મોકલવામાં આવ્યા નથી. જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જે જગ્યાએ પરિક્ષા કેન્દ્રો ફાળવાયા હતા તે શાળાઓના સંચાલકોને સીસીટીવી ફુટેજ મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે.સુત્રોએ જણાવ્યુ હતુ કે, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનાં પેપરકાંડ બાદ ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન આસિત વોરા ગંભીર બની પરિક્ષા કેન્દ્રોની મુલાકાત પણ લીધી હતી. પરીક્ષાઓમાં થતી ગેરરીતીઓની આટ આટલી ઘટનાઓ છતાં ક્યાંકને ક્યાંક ઢીલાશ રહી જાય છે. આ વખતે પરિક્ષા કેન્દ્રોવાળી 150 જેટલી શાળાઓની આ ઢીલાશ સામે આવી છે. 29 ડિસેમ્બરનાં રોજ યોજાયેલી પરીક્ષાનાં 24 કલાકમાં જ સીસીટીવી ફુટેજ ચકાસણી માટે મોકલવાનું પરિક્ષા કેન્દ્રોને જણાવાયું હતું. પરંતુ આ વાતને એક મહિનાથી વધુ સમય વીતી ગયો તેમ છતાં હજુ સુધી સીસીટીવી ફુટેજ કે તેની સીડી મોકલવામાં આવી નથી.