કલા જગતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધ કરવી પડે તેવા ઉદાર દાતા અને પ્રેરણાદાયી હાસ્ય કલાકાર માનનીય શ્રી જગદીશભાઈ ત્રિવેદી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કુદરતે આ દુનિયામાં અનેક સારા માણસો મોકલ્યા છે જેના લીધે પૃથ્વી ઉપર વિવિધ સત્કાર્યો સતત ચાલુ જ રહે છે.સારો વિચાર અને તેનો તાત્કાલિક અમલ એ કુદરતની કૃપા હોય તોજ થઈ શકે.પિતા લાભશંકર મણીશંકર ત્રિવેદી અને માતા ઉર્મિલાબેનના ઉચ્ચ સંસ્કારો ધરાવતા પરિવારમાં તારીખ ૧૨-૧૦-૧૯૬૭ ના રોજ વઢવાણ ખાતે જન્મેલા ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર માનનીય શ્રી જગદીશભાઈ ત્રિવેદીના સંઘર્ષશીલ સફળ જીવન વિષે આજે આંશિક પ્રકાશ પાડવાનો પ્રયાસ કરેલ છે.તેમનું પ્રાથમિક શિક્ષણ ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવટી ગામે જ્યારે માધ્યમિક શિક્ષણ લીંબડી ખાતે થયું.ધોરણ ૧૧ માં તેઓ સહર્ષ નાપાસ થયા હતા.લીંબડીની બ્રાહ્મણ બોર્ડીંગમાં રહેતા હતા અને એક આગળ પડતા તોફાની વિધાર્થી તરીકે તેમને બોર્ડીંગમાંથી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.ધોરણ ૧૨ નો અભ્યાસ વાંકાનેર ખાતે કરી તેમણે રાજકોટ કેન્દ્રમાંથી પરિક્ષા આપી હતી.ધોરણ ૧૧ અને ૧૨ માં નાપાસ થવું એ એમનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ નાપાસ થયા હોવા છતાં સહેજ પણ નિરાશ થયા સિવાય ઉત્સાહભેર આગળ વધ્યા હતા.સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ કોલેજમાંથી બી.એ.કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતેથી ગુજરાતી તેમજ લોકસાહિત્ય વિષય સાથે એમ.એ.કર્યું હતું.ધોરણ ૧૧ તેમજ ૧૨ માં નાપાસ થયેલ જગદીશ ત્રિવેદીએ આપઘાત કરવાનો વિચાર કરવાને બદલે આગળ વધવાનો મક્કમ નિર્ધાર કર્યો અને ત્રણ વખત પી.એચ.ડી.કર્યું.માંડ માંડ વ્યાજબી ટકાથી ગ્રેજ્યુએટ થયેલા ઘણા મિત્રો અડગ ર્નિણયથી આઈ.એ.એસ.બનીને આજે ગુજરાત તેમજ દેશનો વહીવટ કરી રહ્યા છે.”દેવશંકર મહેતાની નવલકથાઓ” ઉપર તેમણે પ્રથમ પી.એચ.ડી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતેથી કર્યું.પૂજ્ય દેવશંકરબાપા એમના નાના બાપુ થાય.ભારત ગૌરવ હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોડ ના જીવન ઉપર તેમણે બીજી વાર પી.એચ.ડી. ગુજરાત વિધાપીઠ અમદાવાદ ખાતેથી કર્યું.વિશ્ર્‌વ વંદનીય વિભૂતી પૂજ્ય મોરારી બાપુ ઉપર એમણે ત્રીજીવાર પી.એચ. ડી.વઢવાણની સી.યુ.શાહ યુનિવર્સિટી ખાતેથી કર્યું.ખૂબ જ કર્મઠ,જાગૃત અને નિખાલસ એવા જગદીશ ત્રિવેદીના જીવન ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતેથી કલ્પેશ ત્રિવેદીએ તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથી જૂનાગઢનાં જ લોહાણા મહિલા ભાવિશાબેન પોપટે પી.એચ.ડી.કરેલ છે.જીવનના પ્રાથમિક તબકકે નિષ્ફળ જઈ નિરાશ થતા અનેક યુવાનો તેમજ યુવતીઓ માટે પ્રગતિ કરવા સારૂ જગદીશ ત્રિવેદીનું સંઘર્ષશીલ જીવન પ્રેરણાસ્ત્રોત સમાન છે.તેમનાં માતાપિતા થાનગઢ પ્રાથમિક શાળાનાં નિવૃત શિક્ષકો/ગુરૂજનો છે.તેમના બે ભાઈઓ કલ્પેશભાઈ,વિપુલભાઈ તેમજ એક બહેન હર્ષિતાબેન તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.
સાત વર્ષની નાની ઉંમરે રામલીલા ભજવતા ત્યારે તેમણે હાસ્ય કવિતા રજૂ કરેલ.નાનપણમાં નાટકમાં અભિનય આપવાનું ચાલુ કરેલ.ધીરે ધીરે નાટકો લખવાનું શરૂ કર્યું.એકાંકી નાટક લખવાં-ભજવવાં તેમજ ત્રિઅંકી નાટક લખવાં-ભજવવાં એ દોર આગળ વધ્યો.સાથે નાટય પ્રવૃતિ કરતા મિત્રો કાળક્રમે વિખૂટા પડ્યા.૨૬-૧-૧૯૯૩ ના શુભ દિને શ્રી શાહબુદીન રાઠોડની સાથે હર્ષદ મહેતાના નિમંત્રણથી મુંબઇની પ્રખ્યાત ઓબેરોય હોટલના ૩૩ મા માળે રફટફ હોટલમાં જગદીશ ત્રિવેદીએ એક નાનકડો કાર્યક્રમ આપ્યો જેમાં તેઓ નિષફળ રહ્યા.મુંબઈથી ઘરવાપસી કરી ફરીથી ખૂબ જ નિષ્ઠાપૂર્વક રિહર્સલ કર્યું અને ઓગસ્ટ ૧૯૯૩ માં મુંબઈના વિલેપારલેમાં ભાઈકાકા હોલ ખાતે એક તેમજ વરલીના નહેરૂ ઓડિટોરિયમ ખાતે બીજાે કાર્યક્રમ કર્યો તેમાં તેઓ સફળ રહ્યા.૧૯૯૩ નું વર્ષ એમના જીવન માટે ટર્નિંગ પોઇન્ટનું નિર્ણાયક વર્ષ કહી શકાય.એ પછી આજદિન સુધી તેમણે ૩૦૦૦ જેટલા કાર્યક્રમો કરી સમગ્ર ભારત અને વિશ્ર્‌વમાં તેમનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે.હાસ્ય જગતમાં ખૂબ જ મજબૂત રીતે પોતાનું નામ અંકિત કરનાર જગદીશ ત્રિવેદીએ ૩૦ દેશોની ૮૦ જેટલી વિદેશયાત્રાઓ કરી અનેક કાર્યક્રમો થકી સૌને ઉદાર દિલે ખડખડાટ હસાવ્યા છે.ગુજરાત,ભારત અને વિશ્ર્‌વના કલા જગતમાં હાસ્ય કલાકાર તરીકે એક નિખાલસ,નિયમિત,નિષ્ઠાવાન,ઉદાર,ખાનદાન,પ્રમાણિક મહામાનવ તરીકે જેમની ગણના થાય છે એવા જગદીશ ત્રિવેદીને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૮૨૫૨૩૦૯૦૩ છે.
પૂજ્ય જલારામ બાપાના દરબારમાં હાજરી આપવા તારીખ ૨૯-૩-૨૦૨૩ બુધવારે તેઓ પાલનપુર પધારી રહેલ છે ત્યારે બનાસકાંઠાના સૌ કલાપ્રેમીઓ વતી તેમનું સવિવેક સ્વાગત છે.તેમનાં ધર્મપત્ની નીતાબેન ગ્રેજ્યુએટ છે અને તેમનાં તમામ સત્કાર્યોમાં સહકાર આપે છે.તેમનો એક માત્ર દીકરો મૌલિકકુમાર કેનેડા-ટોરેન્ટોમાં જાેબ કરે છે.પુત્રવધુ રૂશાલીબેન કેનેડામાં જ ડેન્ટિસ્ટ છે.કાર્યક્રમો તેમજ વ્યકિતગત પારિવારિક મુસાફરીને લઈ તેઓ ગુજરાતમાં ખૂબ જ ફર્યા છે.તેમને સાસણગીરનો પ્રદેશ તેમજ માઉન્ટ આબુ ખૂબ જ ગમે છે.ભારતનાં અનેક રાજ્યોમાં તેઓ ફર્યા છે.આ બધામાં તેમને ગોવા વધારે ગમે છે.અનેક સ્થળોએ કાર્યક્રમો આપતાં આપતાં દારૂ પીવાની આદત પડી ગયેલ તેવું તેઓ નિખાલસ રીતે સ્વિકારે છે.તારીખ ૫-૨-૨૦૦૫ ના રોજ પૂજ્ય મોરારી બાપુ થાનગઢ એમના નિવાસસ્થાને પધારેલ અને બરાબર એના ૨૪ કલાક પહેલાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પણ પધાર્યા હતા.વિશ્વ વંદનીય એવી બે મહાન વિભૂતીઓએ એમના નિવાસસ્થાને પધારી પાવન પગલાં કર્યાં અને એ ક્ષણથી જ તેમણે દારૂને તિલાંજલી આપી કાયમ માટે દારૂ પીવાનું છોડી દીધું.દેશ-વિદેશમાં કે ફલાઈટમાં જ્યાં જાય ત્યાં મહેમાનગતિમાં તેમને ઉચ્ચ કક્ષાનો દારૂ ઓફર કરવામાં આવે છે પણ હવે તેઓ કયારેય દારૂને હાથ લગાડતા નથી.ગુજરાતનું ગર્વ તેમજ ગૌરવ કહી શકાય તેવા જગદીશ ત્રિવેદીના જીવન વિષે એક મોટો ગ્રંથ લખી શકાય તેમજ કથા પણ કરી શકાય છતાં સ્થાન મર્યાદાને લીધે આજે એમના જીવનની થોડીક મહત્વની વાતો રજૂ કરવાનો અહીં નાનકડો પ્રયાસ કર્યો છે.માણસને પોતાના મન સિવાય કોઈ જ બદલી શકે નહીં તેવું તેઓ માને છે.૩૦ જેટલા દેશોમાં તેઓ ફર્યા છે પણ અમેરિકા અને ઈંગ્લેન્ડ તેમને વધારે ગમે છે.સાહિત્ય અકાદમી દ્રારા તેમનું સન્માન થયેલ છે.ગુજરાત સાહિત્ય પરિષદનો ખૂબ જ મહત્વનો એવો જ્યોતિન્દ્ર દવે હાસ્ય પુરસ્કાર તેમને મળેલ છે.ગુજરાતના નામદાર રાજ્યપાલશ્રીના વરદહસ્તે ૨૦૧૩ માં સંસ્કાર ભારતી દ્રારા તેમનું સંસ્કાર ભૂષણ એવોર્ડથી સન્માન થયેલ છે.૨૦૦૫ માં પૂજ્ય મોરારી બાપુના કરકમળો દ્રારા ફૂલછાબ દૈનિકના એવોર્ડથી તેઓ સન્માનિત થયા હતા.તાજેતરમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે “પ્રાઈડ ઓફ ઈન્ડિયા “એવોર્ડ તેમને મળ્યો હતો.કેલિફોર્નિયાની લાયન્સ કલબે તેમને ઓનરરી સભ્ય બનાવેલ છે.સુરેન્દ્રનગરની રોટરી કલબે તેમને ઓનરરી રોટેરીયનનું બહુમાન આપેલ છે.પદ્મશ્રી જાેરાવરસિંહ જાદવની પ્રખ્યાત સંસ્થા લોકકલા ફાઉન્ડેશન દ્રારા તેમને ગૌરવ પુરસ્કાર મળેલ છે.આવા તો અનેક એવોર્ડ,સન્માનપત્રો તેમજ પુરસ્કારથી તેઓ સન્માનિત થયેલા છે.
૧૨-૧૦-૨૦૧૭ ના રોજ ૫૦ વર્ષ પૂર્ણ થતાં તેમણે પ્રેરણાદાયી ત્રણ ર્નિણયો કરેલ છે.હંમેશાં સફેદ કપડાં જ પહેરવાં,કયારેય વાળ કાળા ના કરાવવા તેમજ ૫૦ વર્ષ પછી કાર્યક્રમોમાં થતી તમામ આવક ઘેર લાવવાને બદલે શિક્ષણ તેમજ આરોગ્ય પાછળ વાપરી પરમાત્મા,સમાજ તેમજ રાષ્ટ્રનું ૠણ ચૂકવવું.આ રીતે રૂપિયા ૧૧ કરોડ વાપરવાનો તેમનો મહા સંકલ્પ છે અને અત્યાર સુધી પાંચ કરોડ રૂપિયા તેઓ શિક્ષણ પાછળ વાપરી ચૂક્યા છે.તેમણે આઠ સરકારી શાળાઓ,સાત સાર્વજનિક પુસ્તકાલયો તેમજ પાટડી ખાતે એક બાળ સેવા કેન્દ્ર એમ કુલ ૧૬ સંસ્થાઓ/ઈમારતોના નિર્માણમાં પાંચ કરોડ રૂપિયાનું યોગદાન આપી કલા જગતના એક ઉમદા અને ઉદાર હાસ્ય કલાકાર તરીકે પ્રેરણા-પ્રોત્સાહન મળે તેવું મહત્વનું સત્કાર્ય કર્યું છે.તેમની આઠમી શાળાનું ઉદ્‌ઘાટન જામખંભાળિયામાં ભાનુબેન વસંતલાલ ભટ પ્રાથમિક શાળાના નામે થનાર છે.આદરણીય ભાનુબેન તેમનાં સાસુજી થાય અને તેઓ આ પ્રાથમિક શાળામાં જ મધ્યાન્હ ભોજન યોજનામાં રસોઈ બનાવતાં હતાં.
ભવિષ્યમાં કુલ રૂપિયા ૧૧ કરોડ શિક્ષણ તેમજ આરોગ્ય પાછળ વાપરવાનો તેમનો મક્કમ નિર્ધાર કુદરત જીવાડશે તો પૂર્ણ કરવાની તેમની ઈચ્છા છે.સંજાેગોવશાત કંઈ થાય તો પણ તેમના આ સેવામય નિર્ધારને પૂર્ણ કરવા તેમણે તેમના દીકરા મૌલિકકુમારને જણાવી દીધું છે.પોતાની એક આગવી હાસ્ય કલાને લીધે ગુજરાત,ભારત અને વિદેશોની અનેક મહાન હસ્તિઓ સાથે તેમનો સંપર્ક અને સંબંધ છે.સમગ્ર વિશ્વમાં ગુજરાતને આગવી નામના અપાવનાર જગદીશ ત્રિવેદીનું એક ઉદાર દાતા તરીકે કલા જગતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું નામ ચિરંજીવી બની રહેશે.જગદીશ ત્રિવેદીના નિખાલસ,ૠણવાદી,સેવામય,નિષ્ઠાવાન જીવન માટે ટનબંધ અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ. તેમના નિરામય દીર્ઘાયુ માટે ખરા અંતઃકરણથી દિવ્ય પ્રભુ પ્રાર્થના…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી.
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.