‘એક કદમ સનાતન ધર્મ તરફ’ ના બેનર હેઠળ ધર્મરક્ષા, બાળરક્ષા, સંસ્કૃતિ રક્ષા તેમજ રાષ્ટ્ર રક્ષાનું અતિ પ્રેરણાદાયી કાર્ય કરતાં ડીસાનાં ખૂબ જ ઉત્સાહી એવા પિન્કીબેન નારણભાઈ ગેલોત

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આજે સમગ્ર વિશ્વમાં મારૂં શું અને મારે શું એ સિધ્ધાંત પ્રમાણે મોટાભાગના લોકો જીવન જીવી રહ્યા છે ત્યારે પરમપિતા પરમાત્માએ આ જગતમાં મુઠીભર માણસો એવા પણ મોકલ્યા છે કે જેઓ પોતાના પરિવાર કે અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ, સંસ્કૃતિ, ધર્મ, રાષ્ટ્ર, સંસ્કારના હેતુથી બીજાના માટે જીવી રહ્યા છે. પિતા નારણભાઈ તલાજી ગેલોત અને માતા ગીતાબેનના પરિવારમાં તારીખ ૫-૮-૨૦૦૧ ના રોજ ડીસા ખાતે જન્મેલ ૨૨ વર્ષીય પિન્કીબેન ગેલોત સમગ્ર માનવ સમાજ, બાળ જગત, ધર્મ તેમજ રાષ્ટ્ર માટે ખૂબ જ ઉમદા કામ કરી રહેલ છે. ડીસાની શીવનગર પ્રાથમિક શાળામાં શિક્ષણ લઈ તેમણે માધ્યમિક શિક્ષણ સરસ્વતી સ્કૂલ ડીસા ખાતેથી પૂર્ણ કર્યું હતું. નરોડા-અમદાવાદની એ.પી.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી ૨૦૨૨ માં બી.કોમ. પૂર્ણ કરી રાધનપુરની એક પ્રાઇવેટ કંપનીમાં થોડો ટાઈમ જોબ કરી હતી. જી.પી.એસ.સી.કલાસ વન-ટુ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરાવતી ડીસાની ચામુંડા એકેડેમીના માધ્યમથી તેમને ખૂબ જ સારા વિચારો મળ્યા અને જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું.

‘એક કદમ સનાતન ધર્મ તરફ’ એ બેનર હેઠળ નાનાં બાળકોને આધ્યાત્મિક વિચારો, સુસંસ્કારો, વૈદિક જ્ઞાન, શ્રીરામ-શ્રીકૃષ્ણના જીવન વિષેનું વૃતાંત, શસ્ત્ર-શાસ્ત્રોનું જ્ઞાન મળે સાથે સાથે બાળકોમાં વાણી, વર્તન, વ્યવહારમાં રચનાત્મક પરિવર્તન આવે તે માટેના અવિરત-અથાક પ્રયત્નો પિન્કીબેન કરી રહેલ છે. જાન્યુઆરી-૨૦૨૩ થી તેમણે શરૂઆતમાં ઘેર ઘેર જઈ આ અભિયાન શરૂ કર્યું હતું. નાનાં બાળકોને સામૂહિક રીતે એકત્રિત-સંકલિત કરી સંસ્કારો આપવાનું વિધિવત સત્કાર્ય તેમણે માર્ચ-૨૦૨૩ થી શરૂ કર્યું.આ સત્કાર્યમાં તેમને ખૂબ જ સારી સફળતા મે-જૂન ૨૦૨૩ માં મળી.આ માધ્યમથી સનાતન ધર્મનો પ્રચાર કરતાં કરતાં તેઓ અત્યાર સુધીમાં અંદાજે ૭૦૦ જેટલાં નાનાં બાળકોને આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક કેળવણી આપી ચૂકયાં છે.

તીનમૂર્તિ હનુમાનજી મંદિર, નાનાજી દેશમુખ ગાર્ડન, ઈન્દિરાનગર, સાંઈબાબા મંદિર, જલારામ મંદિર જેવાં ડીસાનાં વિવિધ સ્થળોએ તેઓ બાળકોને એકત્રિત-સંકલિત કરીને વ્યવસ્થિત રીતે તેમને ભારતની વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન આપી ચૂકયાં છે. તેમનું આ પ્રેરણાદાયી સત્કાર્ય અનેકજનો માટે માર્ગદર્શક પથ સમાન હોઈ આ લેખ વાંચી એક હજાર કામ પડતાં મૂકી પિન્કીબેનનો જુસ્સો તેમજ ઉત્સાહ વધે તે માટે અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૭૦૧૬૫૮૮૪૬૦ છે.

તારીખ ૩-૫-૨૦૨૩ ના રોજ તીનમૂર્તિ હનુમાનજી મંદિરે તેમણે ૩૧ બાળકોને એકત્રિત કરી સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક તાલીમ આપી હતી. નાનાજી દેશમુખ ગાર્ડનમાં તારીખ ૩-૬-૨૦૨૩ ના રોજ ૬૬૭ જેટલાં બાળકો ભેગાં કરી તેમણે સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમણે ચાર જેટલા મોટા કાર્યક્રમો તેમજ અનેક નાના કાર્યક્રમો કરી નાનાં બાળકોને આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક સમજ આપી એક નવા જીવનનો શુભારંભ કરાવ્યો છે. વર્તમાન સમયમાં બાળક જન્મે ત્યારથી જ તેના હાથમાં મોબાઇલ આપી દેવામાં આવે છે.

પિન્કીબેને ૧૭૧ જેટલાં બાળકોને મોબાઇલના વ્યસનમાંથી મુક્ત કર્યાં છે. નાનાં બાળકો જંક ફૂડ,બહારના નાસ્તા કે હોટલના ભોજનથી દૂર રહે તે માટે તેમણે જબરજસ્ત પ્રયત્નો કર્યા છે અને સારી સફળતા પણ મળી છે. નાનાં બાળકો સવારે વહેલાં બ્રહ્મ મૂહુર્તમાં જાગી યોગ, કસરત, સાધના, પૂજાપાઠ, માબાપ વંદન, દેવદર્શન કરે તેમજ સૂર્ય દેવતાને જળ ચડાવે તેવા સંસ્કારો તેમણે આપ્યા છે. આપણો ભૌતિક, શૈક્ષણિક કે રાજકીય વિકાસ મોટો-લાંબો-પહોળો હોઈ શકે પણ આધ્યાત્મિક, સાંસ્કૃતિક કે નૈતિક રીતે આપણે તળિયે પહોંચ્યા છીએ ત્યારે પિન્કીબેન ગેલોત સંસ્કાર સિંચન માટે આશાનું એક નવું કિરણ લઈને આપણી વચ્ચે આવ્યાં છે. હાલના સંજોગોમાં ૨૨ વર્ષની ભણેલી યુવતી સામાન્ય રીતે ફેશનેબલ, શોખીન, સ્વચ્છંદી હોય પણ તેનાથી વિપરીત પિન્કીબેન ગેલોત સુસંસ્કૃત તેમજ આધ્યાત્મિક લગનવાળાં હોઈ અનેક નાનાં બાળકોને સંસ્કારી બનાવવાની નેમ લઈને સતત કાર્યરત રહે છે.

આધુનિકતાના નામે આપણી ભારતની ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સંસ્કૃતિ ઉપર ચારે બાજુથી અઢળક પ્રહારો નિરંતર થઈ રહેલ છે ત્યારે “યદા યદા હી ધર્મસ્ય” વાળી ઉકિતની જેમ પિન્કીબેન ગેલોતને પરમપિતા પરમાત્માએ પોતાના પર્સનલ પ્રતિનિધિ તરીકે ડીસા તેમજ બનાસકાંઠામાં કાર્યરત બનાવ્યાં છે. તેમને આવા સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક કાર્યક્રમો કરવા માટે ગાંધીનગર, અમદાવાદ, કલોલ, પાલનપુર, થરાદ, વડોદરા એમ અનેકવિધ સ્થળોએથી વિધિવત આમંત્રણ મળેલ છે. તેઓ જેમને ગુરૂ માને છે એવા ચામુંડા એકેડેમીના ભરતભાઈ ભાટીના સંપર્કમાં આવતાં તેમના જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો છે તેવું તેઓ માને છે.ત્રણ બહેનો ભાવનાબેન, વર્ષાબેન, કલાબેન તેમજ એક જ ભાઈ દીપકભાઈનાં બહેન એવાં પિન્કીબેન ગેલોત ડીસાની સંભવનગર સોસાયટીમાં માબાપ સાથે ભાડાના મકાનમાં રહે છે. ભવિષ્યમાં મોટીવેશનલ સ્પીકર બની વ્યવસ્થિત કામ કરી યુવા પેઢીને સુસંસ્કૃત, સક્ષમ, સંસ્કારી, આધ્યાત્મિક, રાષ્ટ્રવાદી બનાવવાની તેમની પ્રબળ ઈચ્છા છે. ડીસા નગરમાં સનાતન ધર્મને વધારે મજબૂત બનાવવાનું સત્કાર્ય તેઓ નિરંતર-નિયમિત-નિસ્વાર્થ ભાવે કરી રહેલ છે. આખોલના પિયુષભાઈ પ્રજાપતિનો તેમને ખૂબ જ સારો સહકાર મળે છે.

આપણો સનાતન હિંદુ ધર્મ મજબૂત બને, પરિવાર સુસંસ્કૃત થાય તેમજ નાનાં નાનાં બાળકો શ્રીકૃષ્ણ ભગવાનની જેમ ઉચ્ચ વિચારો સાથે ઓલ રાઉન્ડર બને તેવી પિન્કીબેનની મહેચ્છા છે. નાનાં બાળકો ભવિષ્યમાં વેપારી, સરકારી અધિકારી, ઉધોગપતિ, ખેડૂત, વકીલ, ડોક્ટર, એન્જિનિયર, રાજકારણી કંઈ પણ બને ત્યારે પરમપિતા પરમાત્માને સાથે રાખીને આગળ વધે તેમજ સમાજ, પરિવાર, નગર અને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી સંસ્કારી-સુચારૂ જીવન જીવે તેવું અદભૂત અને ઉત્કૃષ્ટ માર્ગદર્શન તેઓ બાળકોને આપી રહેલ છે. બાળકોની સાથે આવતા માબાપ કે વાલીઓને પણ અતિશય આનંદ આવે છે તેમજ તેમને પણ ઘણું બધું નવું જાણવા મળે છે. તલવાર, લાઠી જેવાં શસ્ત્રોની તાલીમ તેમજ હનુમાન ચાલીસા, રામાયણ, ભગવત ગીતા વિગેરેનું વિશેષ જ્ઞાન મળે તે માટે તેઓ સજાગપણે પ્રયત્નશીલ છે. તેઓ ખૂબ જ સારૂ વૈદિક જ્ઞાન ધરાવે છે. તેમને શ્રીકૃષ્ણ ભગવાનની દ્રારિકા નગરી વધારે ગમે છે. આવતા દિવસોમાં હરિદ્વાર જઈ ગાયત્રી પરિવારના શાંતિકુંજ ખાતે એક મહિનો રોકાવાની તેમની પ્રબળ ઈચ્છા છે.

ચારેબાજુ અંધકાર તેમજ સ્વાર્થનું આધિપત્ય છે ત્યારે પ્રકાશનું એક સોનેરી કિરણ લઈને બાળ જગતના સાંસ્કૃતિક,આધ્યાત્મિક વિકાસ માટે અભિનંદનીય, અનુકરણીય, અનુમોદનીય, વંદનીય કામ કરતાં પિન્કીબેન ગેલોતને લાખ લાખ સલામ. જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા તેમને નિરામય દીર્ઘાયુ બક્ષે તેવી અંતઃકરણથી પ્રાર્થના.ડીસા નગર તેમજ બનાસકાંઠાનાં નાનાં બાળકો માટે નિસ્વાર્થભાવે નિષ્ઠાપૂર્વક કામ કરતાં પિન્કીબેન ગેલોતને અભિનંદન આપવાનું ચૂકી જશો તો કુદરતના તેમજ પરમાત્માના પણ ગુનેગાર બનશો. ચિરંજીવી પિન્કીબેન ગેલોતને આશીર્વાદ સાથે અઢળક શુભેચ્છાઓ….

ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
બી.એ., બી.એસ.સી., એલ.એલ.બી.
ડીસા, ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.