ડીસા શહેરના ભરચક ગણાતા રીસાલા બજાર વિસ્તારમાંથી ધોળા દિવસે એક મોટરસાયકલ ચોરી થવાની ઘટના સામે આવતા વેપારી આલમમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ અંગે વાસણના વેપારીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ડીસા ખાતે રહેતા અને રીસાલા બજારમાં 'ધ્રુ મેટલ' નામની વાસણની દુકાન ચલાવતા દિનેશભાઈ મફાભાઈ રબારી પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર: GJ-08-DR-1410) લઈને રોજિંદા ક્રમ મુજબ સવારે પોતાની દુકાને આવ્યા હતા. તેમણે પોતાનું બાઈક દુકાનથી થોડે દૂર એક ઝાડ નીચે છાંયડામાં પાર્ક કર્યું હતું.
દરમિયાન, થોડા સમય પછી કોઈ કામ અર્થે જ્યારે તેઓ મોટરસાયકલ લેવા ગયા ત્યારે પાર્ક કરેલી જગ્યા પર બાઈક જોવા મળ્યું ન હતું. આથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આસપાસના વિસ્તારમાં તેમજ બજારમાં ભારે શોધખોળ હાથ ધરી હતી. છતાં, મોટર સાયકલનો કોઈ પતો લાગ્યો ન હતો.ચોરી થયેલી આ સ્પ્લેન્ડર બાઈકની અંદાજિત કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ (એક લાખ) આંકવામાં આવી છે. કોઈ અજાણ્યો તસ્કર નજર ચૂકવીને આ મોટરસાયકલ ચોરી કરી નાસી છૂટ્યો હોવાની શંકાના આધારે દિનેશભાઈ રબારીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





