પગ લપસી જતાં મોત થયાની આશંકા
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે આવેલ લિઝા કોમ્પલેક્ષ પાછળના શોપિંગ સેન્ટરની એક દુકાનના ભોંયરામાંથી આધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. ભોંયરામાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાની ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો.
ઘટના અંગે મળતી વિગતો અનુસાર, લિઝા કોમ્પલેક્ષ પાછળ આવેલા શોપિંગ સેન્ટરની દુકાનના ભોંયરામાં એક આધેડનો મૃતદેહ હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે તુરંત જ ડીસા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતીપોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ મૂળ રાજસ્થાનનો વતની હોવાનું બહાર આવ્યું છે. આકસ્મિક રીતે પગ લપસી જવાથી આધેડ ભોંયરામાં પટકાયા હોવાનું અને તેના કારણે તેમનું મોત નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહનો કબજો મેળવી તેને પંચનામા બાદ પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ ઘટના અંગે ડીસા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આધેડના મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ ધમધમાવી છે.





