ઓછા વરસાદવાળા વિસ્તારોને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની સ્થિતિ ચિંતાજનક બની છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનો લગભગ કોરો જતાં અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના અભાવે ખેતીના પાકને નુકસાનની ભીતિ સાથે ભૂગર્ભજળની સપાટી પણ નીચે જવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી ઓછા વરસાદવાળા તાલુકાઓને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરી રાહતના પગલાં ભરવાની માંગ કરી છે.
સાંસદે વાવ-થરાદ જિલ્લાના નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી તાત્કાલિક છોડવાની માંગ કરી છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં પૂરતો ઘાસચારો અને પશુઆહાર ઉપલબ્ધ કરાવવા તેમજ પશુપાલકોને રાહત આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. વરસાદના અભાવે પશુધન માટે ઘાસચારાની અછત ઊભી થવાની સંભાવના વચ્ચે સરકાર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની સમસ્યા ઊભી ન થાય અને લોકોને આર્થિક સહારો મળે તે માટે મનરેગા હેઠળ તાત્કાલિક રોજગારીના કામો શરૂ કરવાની રજૂઆત કરાઈ છે. જ્યાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા સુચારૂ રાખવા પણ સાંસદે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે. ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાયેલા વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી નુકસાનનું આકલન કરવામાં આવે અને પાત્ર ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. બનાસકાંઠા અને વાવ-થરાદના ખેડૂતોને સમયસર રાહત મળે તો આર્થિક નુકસાનનો બોજ હળવો થઈ શકે તેમ છે.





