રખડતા ઢોરના કારણે અકસ્માત નિવારવાનો પ્રયાસ
ડીસા શહેરમાં રખડતા ઢોરોના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓ અને અકસ્માતના ભયને ધ્યાને રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરની દરખાસ્ત અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી અર્થે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડૉ. કિશનદાન જે. ગઢવી (જી.એ.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ શહેરમાં ખુલ્લામાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં સ્પોર્ટસ કલબથી રામાપીરના મંદિર થઈ રીસાલા પેટ્રોલ પંપ સુધી, અંબિકા ચોક રોડથી લાયન્સ હોલ સુધી, એસ.સી.ડબલ્યુ. હાઈસ્કુલથી અંબિકા ચોક સુધી,જુના બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર સુધી,દિપક હોટલથી જી.જી. માળી વિદ્યાસંકુલ સુધી,રેલ્વે સ્ટેશન ચાર રસ્તાથી એ.પી.એમ.સી. રોડ,ત્રણ હનુમાન મંદિરથી ઈન્દિરાનગર સુધી, રામાપીરના મંદિરથી પીંક સીટી સુધી,લાઠી બજાર વિસ્તાર, રીસાલા ચોક વિસ્તાર ,સરદાર બાગથી રેલ્વે સ્ટેશન સુધી અને ટાફે શોરૂમથી રીલાયન્સ પેટ્રોલ પંપ હાઈવેની બંને સાઈડ સર્વિસ રોડ વિસ્તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ જાહેરનામું તા.૦૨/૦૯/૨૦૨૬ થી તા.૩૧/૧૦/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ફરિયાદ નોંધવા માટે નાયબ પોલીસ અધિક્ષકથી લઈ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કક્ષાના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. જાહેર જનતાની સલામતી અને સુવિધા અર્થે આ એકતરફી હુકમ જારી કરવામાં આવ્યો છે.





