GCAS પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત : 40,179 એડ મિશન સાથે યુનિવર્સિટી પ્રથમ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ પ્રો. કે.સી.પોરિયાએ પ્રવેશ પ્રક્રિયા અને ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ અંગે મહત્વની જાહેરાત કરી છે. યુનિવર્સિટીએ રાજ્યમાં 40,179 પ્રવેશ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ચાર રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે પ્રવેશ વંચિત અને પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશનની નવી તક અપાઈ છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે, GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન વગરના પ્રવેશ અમાન્ય ગણાશે. ગુજરાત સરકારના નિર્દેશ મુજબ,તમામ યુનિવર્સિટીઓની પ્રવેશ પ્રક્રિયા GCAS દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અન્ડરગ્રેજ્યુએશન (UG) અભ્યાસક્રમો માટે ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. તમામ કુલપતિઓ સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે કે અગાઉ રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ તેમજ પૂરક પરીક્ષા પાસ કરનારા નવા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી
ઓ GCAS પોર્ટલ પર નવું રજીસ્ટ્રેશન કરાવી શકશે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે, GCAS સરકાર અને GCAS દ્વારા માત્ર રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને જ કોલેજ કે યુનિવર્સિટી કક્ષાએ પ્રવેશ ફાળવવાની મંજૂરી અપાઈ છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે, GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન વગરના એડમિશન માટે કોલેજ મેનેજમેન્ટ પોતે જવાબદાર રહેશે. આ અંગેની વિગતો દૈનિક પત્રોમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંદાજિત 90,000 સીટો સાથે રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે. ચાર રાઉન્ડની પ્રક્રિયાના અંતે યુનિવર્સિટીમાં 40,179 ફોર્મ સ્વીકૃત થયા છે અને વિદ્યાર્થીઓએ ફી ભરીને પોતાના પ્રવેશ કન્ફર્મ કરાવ્યા છે. આ સંખ્યા સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે.રાજ્યની અન્ય સરકારી અને સ્ટેટયુનિવર્સિટીઓની સરખામણીએ HNGU માં પ્રવેશ સંખ્યા ઘણી વધારે છે.કેટલીક યુનિવર્સિટીઓમાં ન્યૂનતમ 11 પ્રવેશ થયા છે, જ્યારે અન્ય 5 થી 6 મુખ્ય યુનિવર્સિટીઓમાં HNGU કરતાં અડધા એટલે કે આશરે 20,000 જેટલા પ્રવેશો નોંધાયા છે. પ્રવેશ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે પ્રથમ દિવસથી જ એક વિશેષ સમિતિ સતત કાર્યરત છે.અનુસ્નાતક (PG) કક્ષાએ પણ પ્રવેશ પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે કુલપતિની રજૂઆતને ધ્યાને રાખીને સરકારે મોક રાઉન્ડની મંજૂરી આપી હતી. મોક રાઉન્ડનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં પ્રવેશ મળી શકે તેનો અંદાજ આપવાનો છે, જેથી તેઓ ચોક્કસ કોલેજની લાંબી રાહ જોવામાં પોતાનું શૈક્ષણિક કાર્ય બગાડે નહીં.
આ અંતર્ગત GCAS પોર્ટલ દ્વારા PG માટે એક અનુસ્નાતક રાઉન્ડ ફાળવવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ તમામ પ્રકારની પ્રક્રિયાઓ સત્વરે શરૂ કરવામાં આવશે. શૈક્ષણિક કાર્ય અને પરીક્ષા સંબંધિત રજીસ્ટ્રેશનની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે વિદ્યાર્થીઓને નિયત સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવા સૂચના આપવામાં આવી છે.સરકાર દ્વારા ચાર રાઉન્ડ પૂરા થયા બાદ હવે યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ સ્પોટ રાઉન્ડ અંતર્ગત પ્રવેશ ફાળવવાની સ્વાયત્તતા અપાઈ છે, પરંતુ તેના માટે વિદ્યાર્થીનું GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન હોવું અનિવાર્ય શરત છે.જો કોઈ કોલેજ કે વિભાગ દ્વારા GCAS માં રજીસ્ટ્રેશન ન ધરાવતા વિદ્યાર્થીઓનું સીધું એન્રોલમેન્ટ કરવામાં આવશે, તો તેની કોઈ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે નહીં. આવા સંજોગોમાં તેની તમામ આર્થિક અને વહીવટી જવાબદારી જે તે કોલેજ મેનેજમેન્ટ, આચાર્ય અથવા વિભાગીય અધ્યક્ષની રહેશે અને નિયમબાહ્ય પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું એન્રોલમેન્ટ કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં.





