ગણતરીના કલાકોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો
36 ઇમરજન્સી ટીમો, 9 સહાયક ટીમો અને 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમના સંકલિત પ્રયાસોથી ગ્રાહકોને રાહત
તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં પડેલા સતત ભારે વરસાદ અને ચક્રવાતી વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ)ના કાર્યક્ષેત્રમાં અનેક સ્થળોએ વીજ માળખાને નુકસાન પહોંચ્યું હતું. વાવાઝોડાની અસરથી કુલ 105 વીજ થાંભલાઓ અને 5 વીજ ટ્રાન્સફોર્મરોને નુકસાન થયું હતું, જેના કારણે અંદાજે રૂ. 33.43 લાખનું નુકસાન નોંધાયું હતું.આ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રાહકોને ઓછામાં ઓછી અગવડ પડે અને વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત થઈ શકે તે માટે યુજીવીસીએલે યુદ્ધના ધોરણે રાહત અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરી હતી. કંપની દ્વારા 36 ઇમરજન્સી ટીમો ઉપરાંત કોન્ટ્રાક્ટરની 9 સહાયક ટીમોને તાત્કાલિક મેદાનમાં ઉતારવામાં આવી હતી. સાથે જ ક્રેન, JCB, PED (ખાડો કરીને વીજપોલ ઊભો કરવાનું વિશેષ મશીન) સહિત જરૂરી સાધનો અને પૂરતા માનવ
બળની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.સમગ્ર કામગીરી દરમિયાન યુજીવીસીએલ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખીને માઇક્રોલેવલ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સતત વરસાદ, કાદવ અને પ્રતિકૂળ હવામાન છતાં અધિકારીઓ,ઇજનેરો, લાઇન સ્ટાફ તથા કોન્ટ્રાક્ટર ટીમોએ દિવસ-રાત અવિરત મહેનત કરી હતી. પરિણામે માત્ર ગણતરીના કલાકોમાં જ મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.કંપનીના ઉચ્ચ અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને કામગીરીની સતત સમીક્ષા અને દેખરેખ રાખી હતી. જેના કારણે કામગીરીમાં ઝડપ, સુચારુ સંકલન અને અસરકારક અમલીકરણ જળવાઈ રહ્યું હતું.
આ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ તરીકે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામે વાવાઝોડાના કારણે વીજ ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થઈ ગયું હતું. યુજીવીસીએલની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને માત્ર પાંચ કલાકમાં નવું વીજ ટ્રાન્સફોર્મર સ્થાપિત કરી વીજ પુરવઠો પૂર્વવત્ શરૂ કરી દીધો હતો, જેના કારણે ગ્રામજનોને ખૂબ જ ઝડપથી રાહત મળી હતી.યુજીવીસીએલ દ્વારા આપત્તિની આ વિકટ પરિસ્થિતિમાં કરાયેલી ત્વરિત, સુઆયોજિત અને પ્રજાલક્ષી કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કંપની ગ્રાહકોને અવિરત અને વિશ્વસનીય વીજ સેવા પૂરી પાડવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સતત સંકલન,આધુનિક સાધનોનો ઉપયોગ અને કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની સેવા ભાવનાના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી જનજીવન સામાન્ય બનવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.





