15 ડિરેક્ટરોની બેઠકમાં 2 મહિલા અને 1 SC/ST અનામત બેઠક
પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા વર્ષ 2026 થી 2031 સુધીના આગામી પાંચ વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. બેંકની કુલ 15 ખાલી પડતી બેઠકો માટે આગામી 05 જુલાઈ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી ફોર્મ વિતરણ, ચકાસણી અને ફોર્મ પરત ખેંચવા સહિતની તમામ તારીખો જાહેર કરાઈ છે.
બેંકના સભાસદોને જણાવવામાં આવ્યું છે કે સુધારેલા ગુજરાત સહકારી કાયદો 2002ની કલમ 115 (સી) (1) (બી) તેમજ બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 10 (એ)માં સુધારો થતા બેંકિંગ રેગ્યુલેશન (એમેન્ડમેન્ટ) એક્ટ 2020 અને બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ 2025 મુજબ ચૂંટણી યોજાશે. આ 15 બેઠકો પૈકી 2 જગ્યાઓ સ્ત્રીઓ માટે અને 1 જગ્યા એસ.સી./એસ.ટી. વર્ગ માટે અનામત રાખવામાં આવેલી છે. ચૂંટણી અધિકારી તરીકે કે. એમ. પટેલની નિમણૂક કરવામાં આવી છે.ચૂંટણીના સત્તાવાર કાર્યક્રમ અનુસાર, ઉમેદવારી ફોર્મ આપવાની શરૂઆત 22 જૂન 2026 ના રોજ સવારે 10:00 કલાકથી બપોરે 3:00 કલાક સુધી કરવામાં આવશે. ભરેલા ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા 23 જૂન 2026 અને 24 જૂન 2026ના રોજ સવારે 10:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ ઉમેદવારી ફોર્મની ચકાસણી 24 જૂન 2026ના રોજ સાંજે 5:00 કલાકે હાથ ધરાશે.ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે 25 જૂન 2026ના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી અને 26 જૂન 2026ના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
ઉમેદવારોને ચૂંટણી નિશાનની ફાળવણી 26 જૂન 2026ના રોજ સાંજે 6:00 કલાકે કરવામાં આવશે. જો ચૂંટણી કરવાની જરૂરિયાત ઊભી થશે, તો મતદાન 05 જુલાઈ 2026ને રવિવારના રોજ સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાશે.મતદાન બાદ તે જ દિવસે સાંજે 4:00 કલાકથી મતગણતરી શરૂ કરવામાં આવશે.ચૂંટણી પ્રક્રિયા માટે પાટણના કાળકારોડ પર કનસડા દરવાજા બહાર આવેલ શેઠ.એમ.એન.હાઈસ્કૂલ સંકુલને ચૂંટણી સ્થળ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.ચૂંટણીમાં મતદાન અને ઉમેદવારી માટેના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.જે સભાસદો 31-03-2025 સુધી સભાસદ થયેલા હશે. અને ચૂંટણીની તારીખે પણ જેમનું સભાસદપદ ચાલુ હશે તે જ મતદાન કરી શકશે.
ઉમેદવારી કરવા માટે સભાસદ 31-03-2025ના અગાઉના 3 વર્ષ જૂના હોવા અનિવાર્ય છે. મુદત વીતી બાકીદાર હોય તેવા સભાસદો મતદાન કરી શકશે નહીં. મતદાન કરતી વખતે દરેક સભાસદે બેંકે આપેલું ઓળખકાર્ડ સાથે લાવવું ફરજિયાત રહેશે.પેઢીના સભાસદો બાબતે જો પેઢીના KYCબાકી હોય તો તે કરાવી લેવા અને પેઢીના લેટરપેડ ઉપર ભાગીદારોની સહી સિક્કા કરાવી મત આપવાનો અધિકારપત્ર બેંકમાં રજૂ કરી બેંકના ચાલુ કામકાજના સમય દરમિયાન ફોટો આઈડી કાર્ડ મેળવી લેવાનું રહેશે.વ્યક્તિગત, પ્રોપ્રાઈટર કે ભાગીદારી પેઢી અથવા સંસ્થાએ ફોટો આઈડી કાર્ડ રજૂ કર્યા બાદ જ મતદાન કરવા દેવામાં આવશે. સભાસદોએ જેટલા ડિરેક્ટર્સની ચૂંટણી કરવાની હોય તે જ સંખ્યામાં મતદાન કરવાનું ફરજિયાત રહેશે, તેનાથી ઓછું કે વધારે મતદાન કરવાથી મત રદ બાતલ ગણાશે. વધુ માહિતી માટે બેંક સમય દરમિયાન બેંકમાં ચૂંટણી અધિકારીનો સંપર્ક સાધવાનો રહેશે.





